રેટ કટના પ્રબળ આશાવાદે વૈશ્વિક સોનું વિક્રમ સપાટીએ
રોકાણકારોની નજર 16-17 સપ્ટેમ્બરની ફેડરલની બેઠક પર વર્ષ 2025ના અંત સુધીમાં સોનાના ભાવ આૈંસદીઠ 3800 ડૉલર પહોંચવાનો અંદાજ

આગલા સપ્તાહે અમેરિકાના રોજગારીના ડેટા નબળા આવ્યા બાદ ગત સપ્તાહે અમેરિકાનાં પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ તેમ જ ફુગાવામાં પણ અપેક્ષાનુસાર સાધારણ વધારો થયો હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 16-17 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકનાં અંતે વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા વધુ પ્રબળ બનતાં ડૉલર ઈન્ડેક્સમાં પણ નરમાઈનુ વલણ રહેતાં સોનાની તેજીને ઈંધણ મળતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 3673.95 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ 3650 ડૉલર આસપાસની સપાટીએ પ્રવર્તી રહ્યા હતા. તેમ જ સપ્તાહ દરમિયાન ચાંદીમાં પણ સટ્ટાકીય આકર્ષણ રહેતાં ભાવ વધીને 14 વર્ષની ઊંચી આૈંસદીઠ 42.26 ડૉલરની સપાટીએ રહ્યા હતા. હાલના તબક્કે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવો આશાવાદ, પ્રવર્તમાન ભૂરાજકીય તણાવ અને સોનામાં કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીને ધ્યાનમાં લેતા વર્તમાન કૅલૅન્ડર વર્ષના અંત સુધીમાં સોનાના ભાવનો અંદાજ અગાઉના અંદાજની સરખામણીમાં આૈંસદીઠ 300 ડૉલર વધારીને 3800 ડૉલરનો તેમ જ વર્ષ 2026ના મધ્ય સુધીનો અંદાજ 200 ડૉલર વધારીને 3900 ડૉલરનો મૂક્યો હોવાનું યુબીએસના વિશ્લેષક જિઓવન્ની સ્ટુનોવોએ જણાવ્યું હતું. વધુમાં સ્વિસ બૅન્કે પણ વર્ષ 2025ના અંત સુધીમાં સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં સોનાનું હોલ્ડિંગ વધીને 3900 ટન આસપાસ રહેવાનો અંદાજ મૂક્યો છે. નોંધનીય બાબત એ છે કે અગાઉ ઑક્ટોબર 2020માં સોનાનું હોલ્ડિંગ વધને 3915 ટનની સપાટીએ રહ્યું હતું.
આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનામાં એકતરફી તેજીનું વલણ જળવાઈ રહ્યું હતું. વધુમાં ગત સપ્તાહ દરમિયાન સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં અમેરિકી ટૅરિફની ચિંતા યથાવત્ રહેતાં ડૉલર સામે રૂપિયામાં ધોવાણ જળવાઈ રહેતાં સોનાની આયાત પડતરો વધી આવતા તેજી વધુ વેગીલી બની હતી અને વેરારહિત ધોરણે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ.3369ની એકતરફી તેજી જોવા મળી હતી.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર સ્થાનિક ઝવેરી બજારમાં 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંતના રૂ. 1,06,338ના બંધ ભાવ સામે સુધારાના અન્ડરટોને રૂ. 1,07312ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં ખૂલતી જ રૂ. 1,07,312ની સપાટી અને ઉપરમાં રૂ. 1,09,841ની સપાટી દાખવ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે રૂ. 3369 અથવા તો 3.16 ટકાના ઉછાળા સાથે રૂ. 1,09,707ની વિક્રમ સપાટીએ બંધ રહ્યા હતા. જોકે, એકતરફી તેજીના માહોલમાં ખાસ કરીને જૂના સોનામાં વેચવાલીનું દબાણ વધ્યું હતું, પરંતુ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ તળિયે બેસી ગઈ હતી. હવે આગામી ઑક્ટોબર મહિનામાં દશેરા, ધનતેરસ અને દિવાળી જેવાં મોટા તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે જો સોનામાં ઊંચી ભાવસપાટી જળવાયેલી રહેશે તો તહેવારોને ટાંકણે માત્ર ટોકન અથવા તો શુકનપૂરતી ઘરાકી જોવા મળશે અને તહેવારોની માગ ફિક્કી રહેવાની શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. વધુમાં ગત સપ્તાહે વિશ્વ બજાર પાછળ ચાંદીના ભાવમાં પણ સાપ્તાહિક ધોરણે કિલોદીઠ રૂ. 4838નો અથવા તો 3.92 ટકાનો ઉછાળો આવ્યો હતો અને ભાવ રૂ. 1,28,008ની નવી ટોચે બંધ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગ ઉપરાંત સટ્ટાકીય લેવાલીનો ટેકો મળી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અમેરિકી ફેડરલ રિઝર્વ અર્થતંત્રની વૃદ્ધિ જાળવી રાખવા માટે હળવી નાણાનીતિ અપનાવે તેવા આશાવાદ સાથે વૈશ્વિક બજારમાં સતત ચોથા સપ્તાહમાં સોનાના ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું છે. તાજેતરમાં અમેરિકાના જાહેર થયેલા ઑગસ્ટ મહિનાના ફુગાવામાં બજારની અપેક્ષાનુસાર જોવા મળેલી સાધારણ વૃદ્ધિ, બેરોજગારી ભથ્થું મેળવનારાઓની સંખ્યા વધીને ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચતા શ્રમ બજાર નબળી પડી રહી હોવાના સંકેતો અને પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં જોવા મળેલા અનપેક્ષિત ઘટાડા અને ફુગાવો અંકુશ હેઠળ રહ્યો હોવાના કારણોસર હવે બજાર વર્તુળોમાં અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરે તેવી 100 ટકા શક્યતા મૂકાઈ રહી છે. આમ એક તરફ રેટ કટના આશાવાદ અને બીજી તરફ ભૂરાજકીય અનિશ્ચિતતાને કારણે સોનામાં સલામતી માટેની માગનો પણ સોનાની તેજીને ટેકો મળી રહ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવ્યું હતું.
એક તરફ અમેરિકા વર્ષના અંત સુધીમાં ભારત સાથે ટ્રેડ ડીલ થઈ જવાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યું છે જ્યારે બીજી તરફ અમેરિકાએ જી-7 રાષ્ટ્રોના સંગઠનોને પણ રશિયાથી ક્રૂડ તેલની ખરીદીનાં વિરોધમાં ભારત અને ચીન પર ઊંચા ટૅરિફ લાદવાની હાકલ કરી છે. જોકે, યુરોપિયન યુનિયનને પણ અમેરિકાએ ભારત પર 100 ટકા ટૅરિફ લાદવા ભલામણ કરી હતી, પરંતુ યુરોપિયન યુનિયને ભલામણ નકારી કાઢી હોવાના અહેવાલ હતા. એકંદરે વેપાર અંગેની અનિશ્ચિતતા તથા મધ્યપૂર્વના દેશોમાં તથા રશિયા-યુક્રેન વચ્ચેના તણાવને કારણે પણ સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કોમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.4 ટકા વધીને આૈંસદીઠ 3648.55 ડૉલર આસપાસ અને ડિસેમ્બર ડિલિવરીના વાયદામાં ભાવ 0.3 ટકા વધીને 3686.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે હાજર ભાવમાં સાપ્તાહિક ધોરણે 1.7 ટકાનો ઉછાળો નોંધાયો હતો. એકંદરે નબળા રોજગારીના ડેટા અને ભવિષ્યમાં ફુગાવો વધવાની શક્યતાને ધ્યાનમાં લેતાં સોનામાં રોકાણકારોનું આકર્ષણ જળવાઈ રહ્યું હોવાનું આરજેઓ ફ્યુચર્સનાં માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ ડેનિયલ પેવલિિયને જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 39 ટકાનો ઉછાળો આવી ગયો છે.