વૈશ્વિક સોનામાં વિક્રમ તેજી પશ્ચાત થાક ખાતી તેજી, રોકાણકારોની નજર ફુગાવાના ડેટા પર | મુંબઈ સમાચાર
વેપાર

વૈશ્વિક સોનામાં વિક્રમ તેજી પશ્ચાત થાક ખાતી તેજી, રોકાણકારોની નજર ફુગાવાના ડેટા પર

લંડનઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે ખાસ કરીને સોનામાં રોકાણકારોની સલામતી માટેની વ્યાપક માગ ઉપરાંત ફેડરલ રિઝર્વ ઑક્ટોબર અને ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદ વચ્ચે હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 4381.21 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે વધ્યા મથાળેથી રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હતો અને તેજીએ થાક ખાધો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 2.1 ટકાના ઘટીને 4264.91 ડૉલર આસપાસ અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 1.9 ટકા ઘટીને 4278.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 4.3 ટકા ઘટીને આૈંસદીઠ 50.19 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે હજુ સોનાના ભાવમાં વધારો થઈ શકે છે પરંતુ ભાવવધારાની ગતિ ઝડપી નહીં હોય. આથી જ દરેક વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી રહી છે, એમ વિસ્ડમ ટ્રીના કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ નિતેશ શાહે જણાવતાં ઉમેર્યું હતું કે ભૂરાજકીય અને આર્થિક અનિશ્ચિતતા, કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં અવિરત લેવાલી, મજબૂત રોકાણલક્ષી માગ અને ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિ અપનાવીને વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ સોનાની તેજીને ટેકો આપી રહ્યો છે.

હવે રોકાણકારોની નજર આગામી શુક્રવારે જાહેર થનારા અમેરિકાનાં સપ્ટેમ્બર મહિનાના કંજયુમર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પર સ્થિર થઈ છે. જોકે બજાર વર્તુળો ફુગાવામાં વર્ષાનુવર્ષ ધોરણે 3.1 ટકાનો વધારો થાય તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. તેમ જ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર આગામી 28-29 ઑક્ટોબરની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. સામાન્યપણે વ્યાજદરમાં કપાતના સંજોગોમાં વ્યાજની ઊપજ ન આપતી સોના-ચાંદી જેવી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી રહેતી હોય છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button