જમ્બો રેટકટના આશાવાદે વૈશ્વિક સોનું વિક્રમ સપાટીની લગોલગઃ સ્થાનિકમાં રૂ. 974નો ચમકારો, ચાંદી રૂ. 198 વધી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકાનાં ઑગસ્ટ મહિનાના રોજગારીના ડેટા નબળા આવ્યા હોવાથી આગામી નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 50 બેસિસ પૉઈન્ટનો જમ્બો રેટ કટ કરે તેવા આશાવાદ સાથે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર એક તબક્કે હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ 3599.89 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચીને પાછા ફર્યા હતા. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર સોનાના ભાવમાં ધીમો સુધારો આગળ વધ્યો હતો અને ભાવ વિક્રમ સપાટીની લગોલગ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે વાયદામાં અને ચાંદીના ભાવમાં ધીમો ઘટાડો જોવા મળ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 970થી 974નો ચમકારો આવ્યો હતો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 198નો ધીમો સુધારો આવ્યો હતો.
આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ગત શુક્રવારના વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે હાજરમાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 970 વધીને રૂ. 1,06,882ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 974 વધીને રૂ. 1,07,312ના મથાળે રહ્યા હતા. જોકે, ગત સપ્તાહથી સોનામાં એકતરફી તેજીનું વલણ રહ્યું હોવાથી રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ તળિયે બેસી ગઈ હોવાનું બજારનાં સાધનોએ જણાવતા ઉમેર્યું હતું કે જો આગામી તહેવારોની મોસમ દરમિયાન ઊંચી ભાવસપાટી જળવાઈ રહેશે તો અપેક્ષિત માગનો વસવસો જોવા મળશે. વધુમાં આજે 999 ટચ ચાંદીમાં પણ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકોનો નવી લેવાલીમાં અભાવ રહ્યો હતો, પરંતુ છૂટીછવાઈ ઔદ્યોગિક વપરાશકારોની માગ તેમ જ વિશ્વ બજાર પાછળ વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 198ના સાધારણ સુધારા સાથે રૂ. 1,23,368ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.2 ટકા વધીને આૈંસદીઠ 3593.79 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.5 ટકા ઘટીને આૈંસદીઠ 3634 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીમાં પણ નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવ આગલા બંધ સામે 0.1 ટકા ઘટીને આૈંસદીઠ 40.92 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે અમેરિકાના જોબ ડેટા નબળા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ 16-17 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં 50 બેસિસ પૉઈન્ટનો જમ્બો રેટકટના આશાવાદે સોનામાં તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. જોકે, મોટા રેટકટની શક્યતા અત્યંત પાતળી છે, પરંતુ ફેડરલ રિઝર્વ તેનાં નીતિવિષયક વલણમાં બદલાવ લાવી શકે છે, એમ કેપિટલ ડૉટ કૉમના વિશ્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવતા ઉમેર્યું હતું કે જો આ સપ્તાહે જાહેર થનારા ફુગાવાના ડેટા આંચકાજનક ન આવે તો સોનાના ભાવમાં આૈંસદીઠ 3600 ડૉલરની સપાટી તરફની કૂચ જોવા મળી શકે છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે ગત ઑગસ્ટ મહિનામાં અમેરિકામાં બેરોજગારીનો દર વધીને ચાર વર્ષની ઊંચી 4.3 ટકાની સપાટીએ પહોંચ્યો હોવાથી જમ્બો રેટ કટનો આશાવાદ સર્જાયો છે. જોકે, હવે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર આગામી સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 100 ટકા અને 50 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી આઠ ટકા શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે. સામાન્યપણે નીચા વ્યાજદરના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી રહેતી હોય છે. આથી જ આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 37 ટકા જેટલો ઉછાળો નોંધાઈ ગયો છે.
આપણ વાંચો: જીએસટીના સુધારા ભારતીય અર્થતંત્ર માટે પ્રોત્સાહક: મુકેશ અંબાણી