ડૉલરમાં નરમાઈ અને ટ્રેડ વૉરની ચિંતા વચ્ચે વૈશ્વિક સોનું 3300 ડૉલરની લગોલગ
સ્થાનિકમાં સોનું રૂ. 1387 ઝળકીને રૂ. 94,000ની પાર, ચાંદીમાં રૂ. 373નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ટ્રેડ વૉરની ચિંતા અને ટ્રેડ વૉરને કારણે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પર માઠી અસર પડવાની ભીતિને કારણે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની સલામતી માટેની વ્યાપક માગને ટેકે એક તબક્કે હાજરમાં ભાવ વધીને આૈંસદીઠ 3300 ડૉલરની લગોલગ 3294.99 ડૉલર સુધી ક્વૉટ થઈને પાછા ફર્યા હતા. તેમ છતાં ભાવ અંદાજે બે ટકા જેટલા ઉછાળા સાથે ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ પણ 0.8 ટકા વધીને ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1382થી 1387ના ઉછાળા સાથે રૂ. 94,000ની સપાટી કુદાવી ગયા હતા, જ્યારે ચાંદીમાં સાધારણ કિલોદીઠ રૂ. 373નો સુધારો આવ્યો હતો.
આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ છૂટીછવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 373ના સુધારા સાથે રૂ. 95,403ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે ભાવમાં તેજીનો અન્ડરટોન રહ્યો હતો અને 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1382ના ઉછાળા સાથે રૂ. 94,111 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1387ના ઉછાળા સાથે રૂ. 94,489ના મથાળે રહ્યા હતા. જોકે, ભાવમાં ઝડપી ઉછાળો આવતા રોકાણકારો, સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો સહિત રિટેલ સ્તરની માગમાં પણ સોંપો પડી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ વૉર તથા રેસિપ્રોકલ ટૅરિફની અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોની સોનામાં સલામતી માટેની વ્યાપક માગને ટેકે એક તબક્કે હાજરમાં ભાવ વધીને આૈંસદીઠ 3300 ડૉલરની સપાટીની નજીક 3294.99 ડૉલર સુધી પહોંચ્યા બાદ ગઈકાલના બંધ સામે 1.9 ટકા વધીને 3287.79 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા વધીને આૈંસદીઠ 32.56 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ટૅરિફને કારણે વૈશ્વિક આર્થિક પરિબળો સામે જોખમો જણાઈ રહ્યા હોવાથી સોનામાં સલામતી માટેની માગને ટેકે તેજીનું વલણ જોવા મળી રહ્યું હોવાનું કેસીએમ ટ્રેડનાં વિશ્લેષક ટીમ વૉટરરે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે આજે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ 0.7 ટકાના ઘટાડા સાથે ક્વૉટ થઈ રહ્યો હતો. વધુમાં ગઈકાલે એન વિડિયાએ જણાવ્યું હતું કે અમેરિકાએ એચ20 આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ચીપની નિકાસ મર્યાદિત કરતાં તેને 5.5 અબજ ડૉલરનો ચાર્જ લાગશે, જ્યારે અમેરિકાએ ચીનથી થતી આયાત સામે 145 ટકા ટૅરિફ લાદી હોવાથી ચીને તેની એરલાઈન્સને હવે પછીથી બૉઈંગની વધુ ડિલિવરીઓ ન લેવાનું જણાવ્યું હતું.
ટૅરિફ અંગેની વધુ અનિશ્ચિતતા, અમેરિકી વહીવટીતંત્રનું જક્કીપણું અને ઊંચા ટૅરિફથી બચવા તૃતિય દેશમાંથી માલસામાનની હેરફેરથી વૈશ્વિક પુરવઠાચેઈન પર માઠી અસર પડવા જેવા કારણોસર પણ સોનાના સુધારાને ટેકો મળશે, એમ એબીસી રિફાઈનરીનાં ઈન્સ્ટિટ્યુશનલ માર્કેટ્સના ગ્લોબલ હેડ નિકોલસ ફ્રેપેલે જણાવ્યું હતું. તે જ પ્રમાણે ગોલ્ડસિલ્વર સેન્ટ્રલનાં મેનેજિંગ ડિરેક્ટર બ્રિઆન લાને જણાવ્યું હતું કે પ્રવર્તમાન આર્થિક અને રાજકીય-ભોગોલિક અનિશ્ચિતતાઓ સોનામાં સલામતી માટેની માગ જાળવી રાખે તેવી શક્યતા છે, જ્યારે એએનઝેડે વર્ષ 2025ના અંત સુધીમાં સોનાના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 3600 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. જોકે, હવે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના રિટેલ વેચાણના ડેટા પર સ્થિર થઈ છે.
આપણ વાંચો: ડૉલરમાં નબળાઈ અને ઈક્વિટી માર્કેટમાં તેજીથી રૂપિયો 30 પૈસા ઊછળ્યો