મધ્યપૂર્વમાં તણાવ વધતા સપ્તાહના અંતે વૈશ્ર્વિક સોનામાં ૩.૨ ટકાનો ઉછાળો

વિશ્ર્વ બજાર પાછળ સોનાના ભાવ ઉછળતાં ખરીદીને બ્રેક: ભાવ ફરી ડિસ્કાઉન્ટમાં
કોમોડિટી -રમેશ ગોહિલ
અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો સ્થગિત રાખે તેવા આશાવાદે ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થવા ઉપરાંત ગત શનિવારથી ઈઝરાયલ-હમાસ વચ્ચે વધી રહેલા રાજકીય-ભૌગોલિક તણાવને કારણે ગત સપ્તાહે વૈશ્ર્વિક સોનામાં સુધારાતરફી વલણ રહ્યું હતું અને સાપ્તાહિક ધોરણે ભાવમાં ૫.૨ ટકા જેટલો નોંધાયો હતો. તેમાં પણ ખાસ કરીને સપ્તાહના અંતે શુક્રવારે ઈઝરાયલી સેનાએ અંદાજે દસ લાખ જેટલાં પેલેસ્ટાઈનીઓને સલામત સ્થળે ખસી જવાનો આદેશ આપ્યો હોવાથી આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસે તેવી ભીતિ સપાટી પર આવતાં શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનામાં સલામતી માટેની પ્રબળ માગને ટેકે હાજરમાં ભાવ આગલા બંધ સામે ૩.૨ ટકાના તોતિંગ ઉછાળા સાથે ફરી ઔંસદીઠ ૧૯૦૦ ડૉલરની સપાટી કુદાવી ગયા હતા. જોકે, આ ઉછાળાની સ્થાનિક ઝવેરી બજાર પર અસર આગામી સોમવારે જોવા મળે તેવી શક્યતા છે. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનામાં તેજીનો અન્ડરટોન જળવાઈ રહ્યો હતો અને ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૮૫૭ અથવા તો ૩.૨૮ ટકા જેટલાં ઉછળી આવ્યા હતા. એકંદરે આગામી રવિવારથી નવરાત્રીના આરંભ સાથે દેશમાં તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે અને અપેક્ષિત માગને ધ્યાનમાં લેતા આ સપ્તાહ પૂર્વે ઘટ્યા મથાળેથી જ્વેલરી ઉત્પાદકોની લેવાલી શરૂ થઈ હતી, પરંતુ ગત સપ્તાહથી ભાવમાં અનપેક્ષિતપણે ઉછાળાનું વલણ રહેતાં જ્વેલરોની ખરીદીને બ્રેક લાગી હતી. તેમ જ આગામી તહેવારોની મોસમમાં ઊંચી સપાટીએથી રિટેલ સ્તરની માગ પર વિપરીત અસર પડવાની ભીતિ બજારમાં સેવાઈ રહી છે.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન તરફથી પ્રાપ્ત થયેલી આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત છઠ્ઠી ઑક્ટોબરના ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૬,૫૩૯ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૫૭,૪૧૫ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૫૭,૩૩૨ અને ઉપરમાં સપ્તાહના અંતે રૂ. ૫૮,૩૯૬ની સપાટીએ બંધ રહ્યા હતા. આમ ભાવમાં સપ્તાહ દરમિયાન ૧૦ ગ્રામદીઠ ૩.૨૮ ટકા અથવા તો રૂ. ૧૮૫૭ની તેજીનો પવન ફૂંકાઈ ગયો હતો. આમ એકંદરે ભાવમાં આશ્ર્ચર્યજનક રીતે ઉછાળા આવવાને કારણે ઊંચા મથાળેથી તહેવારોની મોસમમાં રિટેલ માગ પર માઠી અસર પડવાની ભીતિને ધ્યાનમાં લેતાં જ્વેલરી ઉત્પાદકોએ ખરીદી પર બ્રેક લગાવી દીધી હોવાનું નવી દિલ્હી સ્થિત એક ડીલરે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે દેશમાં નવરાત્રીના આરંભ સાથે તહેવારોની મોસમ શરૂ થતી હોય છે, જેમાં ખાસ કરીને દશેરા, ધનતેરસ અને દિવાળી સપરમાં દહાડા ગણાતા હોય છે અને ત્યાર બાદ લગ્નસરાની મોસમ શરૂ થતા હોય છે જે અંદાજે સાતમી જાન્યુઆરી સુધી જળવાઈ રહેતી હોય છે. એકંદરે ગત સપ્તાહે ઊંચા મથાળેથી માગ નબળી પડવાને કારણે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ જે આગલા સપ્તાહે વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ પાંચ ડૉલર પ્રીમિયમમાં ઓફર કરી રહ્યા હતા તેની સામે ગત સપ્તાહે ઔંસદીઠ બે ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યાના અહેવાલ હતા. વધુમાં ગત સપ્તાહે સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે પણ ઊંચા મથાળેથી માગમાં ઘટાડો થવાથી ડીલરો સોનાના ભાવ જે આગલા સપ્તાહે વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૮૦ ડૉલર પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા તેની સામે ઔંસદીઠ ૪૦થી ૬૦ ડૉલર પ્રીમિયમમાં ઑફર કરી રહ્યાના અહેવાલ હતા. જોકે, ચીનની કેન્દ્રવર્તી બૅન્કે ઘણીખરી બૅન્કોને ક્વૉટાની ફાળવણી કરી હોવાના અહેવાલ હતા.
એકંદરે ગત સપ્તાહે મધ્ય-પૂર્વના દેશોમાં વધેલા તણાવ અને તાજેતરમાં અમેરિકાના જાહેર થયેલા ફુગાવા તથા રોજગારીના ડેટાને ધ્યાનમાં લેતાં ફેડરલ રિઝર્વ દ્વારા હવે વધુ વ્યાજદરમાં વધારો કરવામાં નહીં આવે એવા આશાવાદ સાથે ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થતાં સોનામાં સલામતી માટેની માગને ટેકે વૈશ્ર્વિક સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે સાત મહિનાનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે આ ઉપરાંત ઘણાં અમેરિકી ફેડરલના નીતિઘડવૈયાઓએ પણ ફેડરલ રિઝર્વ હવે વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા ધૂંધળી હોવાનું વ્યક્ત કરતાં ડૉલર તથા ટ્રેઝરીની ઊપજમાં ઘટાડો થવાથી સોનાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે ગત સપ્તાહના અંતે ઈઝરાયલે ગાઝાના લગભગ અડધાઅડદ નાગરિકોને ૨૪ કલાકમાં સુરક્ષિત સ્થળે ખસી જવાનો આદેશ આપતાં પરિસ્થિતિ વધુ વણસે તેવી ભીતિ સપાટી પર આવતાં ન્યૂ યોર્ક ખાતે હાજરમાં સોનાના ભાવે ઔંસદીઠ ૧૯૦૦ ડૉલરની પ્રતિકારક સપાટી કુદાવી દીધી હોવાથી ભાવ ૧૯૬૦ ડૉલર સુધી વધે તેવી શક્યતા વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં આગામી સપ્તાહે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૬,૦૦૦થી ૫૯,૦૦૦ની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા નકારી ન શકાય.
દરમિયાન ગત સપ્તાહના અંતે મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધે તેવી ભીતિ હેઠળ સલામતી માટેની માગને ટેકે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ આગલા બંધ સામે ૩.૨ ટકાના ઉછાળા સાથે ઔંસદીઠ ૧૯૨૮.૧૫ ડૉલર અને વાયદામાં ભાવ ૩.૧ ટકાની તેજી સાથે ઔંસદીઠ ૧૯૪૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આમ એકંદરે મધ્યપૂર્વના તણાવ પર સોનામાં તેજી સવાર થઈ હોવાનું ઓએએનડીએનાં વરિષ્ઠ વિશ્ર્લેષક એડવર્ડ મોયાએ જણાવતાં ઉમેર્યું હતું કે જો રાજકીય ભૌગોલિક તણાવમાં વધારો થાય તો સલામતી માટેની પ્રબળ માગને ટેકે ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની સપાટીએ પહોંચી શકે છે. ગત સપ્ટેમ્બર મહિનામાં ભાડા તથા ગૅસોલિનના ભાવમાં વધારો થવાને કારણે ફુગાવામાં સાઘારણ વૃદ્ધિ જોવા મળી છે, પરંતુ ફુગાવામાં અન્ડરકરંટ તો નરમાઈનો જ રહ્યો હોવાથી ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા ન હોવાનું હાઈ રિજ ફ્યુચર્સનાં મેટલ ટ્રેડિંગ વિભાગનાં ડિરેક્ટર ડેવિડ મીગરે જણાવ્યું હતું. જોકે, સીએમઈ ફેડવૉચ ટૂલ અનુસાર આગામી નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવી ૬૯ ટકા શક્યતા વ્યક્ત થઈ રહી છે.