વેપાર

ફેડરલ રિઝર્વ જૂનથી વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદે વૈશ્વિક સોનું બે મહિનાની ટોચે

સ્થાનિકમાં સોનું રૂ. 664 ઉછળીને રૂ. 63,000ની પાર, ચાંદી રૂ. 879 ચમકી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત જાન્યુઆરી મહિનામાં અમેરિકામાં ફુગાવામાં વૃદ્ધિ ધીમી પડવાની સાથે ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદે ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે કૉમૅક્સ વિભાગ પર સોનાના વૈશ્વિક ભાવમાં ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે હાજરમાં ભાવ વધ્યા મથાળેથી ટકેલા રહ્યાં હતા, જ્યારે વાયદામાં સાધારણ ઘટાડો આવ્યો હતો. તેમ જ ચાંદીના ભાવમાં પણ વધ્યા મથાળેથી ધીમો ઘટાડો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં ગત શુક્રવારના પ્રોત્સાહક અહેવાલે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 662થી 664નો ઉછાળો આવ્યો હતો અને ભાવ રૂ. 63,000ની સપાટી પાર કરી ગયા હતા. તેમ જ આજે ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. 879નો ચમકારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં તેજીનું વલણ રહ્યું હતું. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હતી અને જૂના સોનામાં વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું હતું. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની યાદી અનુસાર આજે સત્રના અંતે 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 662 વધીને રૂ. 63,226ના મથાળે અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 664 વધીને રૂ. 63,480ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .999 ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 879ના ચમકારા સાથે રૂ. 70,777ના મથાળે રહ્યા હતા.
અમેરિકા ખાતે જાન્યુઆરી મહિનાના ફુગાવામાં ફેબ્રુઆરી, 2021 પછીનો સૌથી ધીમો 2.4 ટકાનો વધારો થતાં ફેડરલ રિઝર્વ દ્વારા વર્ષ 2024ના અંત આસપાસ અથવા તો આગામી જૂન મહિનાથી રેટ કટની શરૂઆત કરે તેવો આશાવાદ પ્રબળ બનતાં ગત ગુરુવારથી વૈશ્વિક બજારમાં સોનામાં તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. તેમ જ આજે પણ લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ બે મહિનાની ઊંચી આૈંસદીઠ 2084.13 ડૉલરની સપાટી આસપાસ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ વધ્યા મથાળેથી 0.2 ટકાના ઘટાડા સાથે 2090.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ પણ વધ્યા મથાળેથી 0.1 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 23.13 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે ગત સપ્તાહે વૈશ્વિક સોનામાં આૈંસદીઠ 50 ડૉલરનો ઉછાળો આવ્યો હતો અને તેમાં પણ મોટા ભાગની તેજી ફુગાવાની જાહેરાત પશ્ચાત્‌‍ છેલ્લાં બે સત્ર દરમિયાન જોવા મળી હતી. તેમ જ વેચાણ કપાવાને કારણે ઝડપી તેજી જોવા મળી હોવાનું વિશ્લેષકો જણાવી રહ્યા છે. વ્યાજદરમાં કપાતની શક્યતા દર્શાવતી એપ્લિકેશન એલએસઈજી અનુસાર હવે ટે્રડરો આગામી જૂન મહિનાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તવી 74 ચકા શક્યતા દર્શાવાઈ રહી છે. જોકે, હવે રોકાણકારોની નજર આગામી શુક્રવારે જાહેર થનારા રોજગારીના ડેટા પર સ્થિર થઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button