વર્ષ 2025માં બે રેટ કટનાં ફેડરલના સંકેતે વૈશ્વિક સોનું નવી ટોચે
સ્થાનિક સોનામાં રૂ. 112ની આગેકૂચ, ચાંદીમાં રૂ. 355ની પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખ્યા હતા. તેમ જ વર્ષ 2025માં બે વખત વ્યાજદરમાં કપાતની શક્યતા વ્યક્ત કરી હોવાના નિર્દેશો સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવ વધીને આૈંસદીઠ 3057.21 ડૉલરની નવી ટોચે પહોંચીને પાછાં ફર્યાં હતા. તેમ જ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું અને વાયદામાં સુધારો આગળ ધપ્યો હતો તથા ચાંદીમાં ટકેલું વલણ રહ્યું હતું. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 112ની આગેકૂચ જોવા મળી હતી, જ્યારે ચાંદીમાં ઊંચા મથાળેથી નિરસ માગે ભાવમાં કિલોદીઠ રૂ. 355ની પીછેહઠ જોવા મળી હતી.
આ પણ વાંચો: Mumbai Bullion Market: ચાંદીના ભાવમાં ઘટાડા વચ્ચે પણ આજના લેટેસ્ટ ભાવ જાણો?
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઊંચા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 355ના ઘટાડા સાથે રૂ. 99,613ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 112ની આગેકૂચ જળવાઈ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 88,406ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 88,761ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં પણ ઊંચી સપાટીએથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ રિટેલ સ્તરની અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહી હોવાના અહેવાલ હતા.
ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વે વર્ષ દરમિયાન બૅન્ચમાર્ક દરમાં બે વખત ઘટાડાની શક્યતા વ્યક્ત કરતાં ન્યૂ યોર્ક ખાતે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 3057.21 ડૉલરની સપાટીએથી પાછાં ફર્યાં હતા. તેમ જ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ 3047.1 ડૉલર આસપાસની સપાટીએ ટકેલાં રહ્યાં હતાં અને વાયદામાં ભાવ 0.4 ટકા વધીને આૈંસદીઠ 3054.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 33.8 ડૉલરની સપાટીએ ટકેલાં રહ્યાં હતાં.
હાલના તબક્કે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાનો માહોલ, ભૂરાજકીય તણાવ અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ જેવાં કારણોસર સોનાની તેજીને ટેકો મળી રહ્યો હોવાનું હૉંગકૉંગ સ્થિત હૅરસ મેટલ્સનાં જનરલ મેનેજર ડિક પૂને જણાવ્યું હતું.
આ પણ વાંચો: સોનાચાંદીમાં સપ્તાહના પહેલા દિવસે જોરદાર ઉછાળો
અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બૅન્ચમાર્ક દર 4.25થી 4.50 ટકાની સપાટીએ જાળવી રાખ્યા હતા. તેમ જ વર્ષ 2025ના અંત આસપાસ વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો બે વખત કાપ મૂકવામાં આવે તેવી શક્યતા ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વ્યક્ત કરતાં ઇમેર્યું હતું કે અમેરિકી પ્રમુખની ટેરિફ સહિતની આરંભિક નીતિઓથી અમેરિકાની આર્થિક વૃદ્ધિ મંદ પડે અને કામચલાઉ ધોરણે ફુગાવામાં વૃદ્ધિ થવાની શક્યતા છે.
અમેરિકાની ટેરિફ અંગેની અનિશ્ચિતતા, રેટ કટની શક્યતાઓ અને મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતાં વર્ષ 2025માં અત્યાર સુધીમાં સોનાએ 16મી વખત નવી ઊંચી સપાટી નોંધાવી છે અને ભાવ આૈંસદીઠ 3000 ડૉલરની સપાટીએ પહોંચ્યા છે. ભૂરાજકીય અને આર્થિક અનિશ્ચિતતાને ટેકે વર્ષ 2025ના પહોલા ત્રિમાસિકગાળામાં સોનામાં સારી કામગીરી જોવા મળી હોવાનું એબીસી રિફાઈનરીનાં ઈન્સ્ટિટ્યૂશનલ માર્કેટ હેડ નિકોલસ ફ્રેપેલે જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં જોવા મળેલો સોનામાં ઘટાડો ક્ષણભંગુર નિવડતાં હવે આૈંસદીઠ 3090થી 3100 ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા નકારી ન શકાય.