વૈશ્ર્વિક સોનું નવી વિક્રમ સપાટીએ પહોંચતા સ્થાનિકમાં ₹ ૨૫૭ની આગેકૂચ, ચાંદી ₹ ૮૮ વધી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા અને ફેડરલ રિઝર્વ આગામી નાણાનીતિની સમીક્ષાની બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદ વચ્ચે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને નવી ઔંસદીઠ ૨૬૮૫.૬૦ ડૉલરની સપાટીને સ્પર્શીને પાછા ફર્યા હતા. વધુમાં આજે લંડન ખાતે પણ સત્રના આરંભે હાજર અને વાયદામાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આયાત પડતરોમાં વધારો થતાં સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૫૬થી ૨૫૭નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં કિલોદીઠ રૂ. ૮૮ વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ હોવા છતાં ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૮ના સુધારા સાથે રૂ. ૯૧,૬૦૦ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ, ડૉલર સામે રૂપિયામાં નરમાઈને કારણે આયાત પડતરોમાં વધારો તથા આગામી તહેવારોની અપેક્ષિત માગને ધ્યાનમાં લેતા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૫૬ વધીને રૂ. ૭૬,૫૦૨ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૫૭ વધીને રૂ. ૭૬,૮૧૦ના મથાળે રહ્યા હતા.
ફેડરલ રિઝર્વ દ્વારા આગામી ૬-૭ નવેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધુ ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવામાં આવે તેવો આશાવાદ, અમેરિકાની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા અને મધ્યપૂર્વના દેશોના તણાવને ધ્યાનમાં લેતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનામાં સલામતી માટેની માગને ટેકે એક તબક્કે ભાવ વધીને ઔંસદીઠ ૨૬૮૫.૬૦ ડૉલરની નવી ઊંચી સપાટી સુધી પહોંચીને પાછા ફર્યા હતા. તેમ જ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૬૭૮.૧૩ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકા વધીને ૨૬૯૩.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૩૧.૫૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
હાલના તબક્કે સોનાને અમેરિકાની ચૂંટણી અને મધ્યપૂર્વના રાજકીય-ભૌગોલિક તણાવને કારણે સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો હોવાનું ઓએએનડીએનાં એશિયા પેસિફિક વિભાગના વિશ્ર્લેષક કેલ્વિન વૉન્ગે જણાવતા ઉમેર્યું હતું કે જો ટ્રમ્પ પ્રમુખપદે ચૂંટાશે તો દરિયાપારના વેપારોમાં તણાવ વધશે અને અંદાજપત્રીય ખાધમાં વધારો થાય તેમ હોવાથી સોનાની તેજીને ટેકો મળી શકે છે. જોકે, આજે રોકાણકારોની નજર અમેરિકાના સપ્ટેમ્બર મહિનાના રિટેલ વેચાણના ડેટા અને બેરોજગારી ભથ્થું મેળવવા માટેની અરજીઓની સાપ્તાહિક આંકડાકીય જાહેરાત પર સ્થિર થઈ હોવાનું વૉન્ગે ઉમેર્યું હતું. વધુમાં એએનઝેડના કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ ડેનિયલ હેઈન્સે જણાવ્યું હતું કે હાલના ઈઝરાયલ-ઈરાન વચ્ચેના તણાવને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાને સલામતી માટેની માગનો ટેકો મળતો રહે તેવી શક્યતા જણાય છે.