મે મહિનામાં ચીનની કેન્દ્રવર્તી બૅન્કની સતત ૧૮ મહિનાની લેવાલીને બ્રેક લાગતા વૈશ્ર્વિક સોનામાં ૧.૮ ટકાનું ગાબડું
સ્થાનિક સોનામાં ₹ ૮૪૪ના કડાકા સાથે ભાવ ₹ ૭૨,૦૦૦ની અંદર, ચાંદી રૂ. ૧૨૮ વધી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની નજીક ૨૩૮૬.૫૫ ડૉલરની સપાટીએ પહોંચ્યા હતા. જોકે, સોનાના અગ્રણી વપરાશકાર દેશ ચીનની કેન્દ્રવર્તી બૅન્કની ૧૮ મહિના સુધી અવિરત લેવાલી જળવાઈ રહ્યા બાદ ગત મે મહિનામાં લેવાલી અટકી હોવાના અહેવાલ સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ગઈકાલના બંધ સામે ૧.૮ ટકાનો જોરદાર કડાકો બોલાઈ ગયો હતો, જ્યારે ચાંદીના ભાવ ૨.૯ ટકા ગબડી ગયા હતા.
આમ વિશ્ર્વ બજારનાં બેતરફી અહેવાલને ધ્યાનમાં લેતાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૭૫થી ૨૭૬નો સુધારો જોવા મળ્યા બાદના સત્રમાં ભાવમાં રૂ. ૮૪૧થી ૮૪૪નો કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૨,૦૦૦ની સપાટીની અંદર ઉતરી ગયા હતા. તે જ પ્રમાણે ચાંદીમાં પણ મધ્યસત્ર દરમિયાન ભાવમાં કિલોદીઠ રૂ. ૧૯૬૮નો સુધારો આવ્યો હતો અને ભાવ કિલોદીઠ રૂ. ૯૨,૦૦૦ની સપાટી કુદાવી ગયા બાદ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સત્રના અંતે ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ કિલોદીઠ રૂ. ૧૨૮ના સુધારા સાથે બંધ રહ્યા હતા. જોકે, આજે બજારમાં તોફાની વધઘટ વચ્ચે સાર્વત્રિક સ્તરેથી વેપાર નિરસ રહ્યા હતા. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૯૬૮ની તેજી સાથે રૂ. ૯૨,૦૦૦ની સપાટી પાર કરીને રૂ. ૯૨,૩૭૫ના મથાળે રહ્યા હતા.
જોકે, ત્યાર બાદ વિશ્ર્વ બજારમાં ૨.૯ ટકાનું ગાબડું પડ્યું હોવાથી આરંભિક સુધારો ધોવાઈ ગયો હતો અને સટ્ટાકીય વેચવાલીનું દબાણ વધતાં સત્રના અંતે ભાવ કિલોદીઠ રૂ. ૧૨૮ના સાધારણ સુધારા સાથે રૂ. ૯૦,૫૩૫ના મથાળે બંધ રહ્યા હતા.
વધુમાં આજે સોનામાં પણ ઓવરનાઈટ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે ભાવમાં તેજીનું વલણ રહ્યું હતું અને ૧૦ ગ્રામદીઠ ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૨૭૫ વધીને રૂ. ૭૨,૭૪૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૭૬ વધીને રૂ. ૭૩,૦૩૩ના મથાળે રહ્યા બાદ વિશ્ર્વ બજાર પાછળ સત્રના અંતે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૪૧ ઘટીને રૂ. ૭૧,૬૨૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૮૪૪ ઘટીને રૂ. ૭૧,૯૧૩ના મથાળે રહ્યા હતા. જોકે, આજની અફરાતફરીનાં વાતાવરણમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તાજેતરમાં અમેરિકાના આર્થિક ડેટા નબળા આવી રહ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આગામી સપ્ટેમ્બર મહિનાથી ઘટાડો કરવાની શરૂઆત કરે તેવા આશાવાદે સોનામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૩૮૬ ડૉલર સુધી પહોંચ્યા હતા.
જોકે, આજે ચીની કેન્દ્રવર્તી બૅન્ક ધ પીપલ્સ બૅન્ક ઑફ ચાઈનાએ જાહેર કરેલી આંકડાકીય માહિતી અનુસાર બૅન્કે ગત ઑક્ટોબર, ૨૦૨૨ પછી પહેલી વખત ગત મે મહિનામાં સોનાની ખરીદી નહોંતી અને તેની સોનાની અનામત ગત એપ્રિલ મહિનાની ૭.૨૮ કરોડ ટ્રોય ઔંસની સપાટીએ યથાવત્ રહી હોવાના અહેવાલ સાથે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં જોવા મળેલો ગઈકાલનો સુધારો ધોવાઈ ગયો હતો અને હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૮ ટકા ગબડીને ઔંસદીઠ ૨૩૩૩.૬૯ ડૉલરની સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા અને હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૨.૯ ટકાના કડાકા સાથે ઔંસદીઠ ૩૦.૩૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ૨.૬ ટકા જેટલો વધારો થયો છે અને જો આજે ડેટા બજારની અપેક્ષાથી નબળા આવશે તો સોનાની તેજીને ટેકો મળતાં ભાવમાં સુધારો આગળ ધપે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી
રહ્યા છે.