વૈશ્વિક સોનું બે સપ્તાહની નીચી સપાટીએથી પાછું ફર્યું
સ્થાનિક સોનામાં રૂ. 163નો અને ચાંદીમાં રૂ. 1049નો ચમકારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન ખાતે આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ બે સપ્તાહની નીચી સપાટીએથી પાછાં ફર્યાં હતા, જોકે રોકાણકારોની નજર આ સપ્તાહના અંતે શુક્રવારે જાહેર થનારા અમેરિકાનાં એપ્રિલ મહિનાના પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચર ડેટા પર સ્થિર થઈ હોવાથી સાવચેતીના અભિગમ વચ્ચે ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં સપ્તાહના આરંભે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 162થી 163નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1049નો ચમકારો આવ્યો હતો અને ભાવ ફરી રૂ. 90,000ની સપાટી પાર કરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વિશ્વ બજારમાં સત્રના આરંભે ચાંદીના ભાવમાં 1.50 ટકા જેટલો ઉછાળો આવ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિકમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1049 વધીને ફરી રૂ. 90,000ની સપાટી કુદાવીને રૂ. 90,811ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વિશ્વ બજાર પાછળ હાજરમાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 162 વધીને રૂ. 71,902 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 163 વધીને રૂ. 72,191ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.5 ટકા વધીને અનુક્રમે આૈંસદીઠ 2344.46 ડૉલર અને 2345.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ન્યૂ યોર્ક ખાતે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે ઘટીને ગત નવમી મે પછીની સૌથી નીચી આૈંસદીઠ 2325.15 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા. વધુમાં આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ પણ આગલા બંધ સામે 1.5 ટકા ઉછળીને આૈંસદીઠ 30.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
સિટી ઈન્ડેક્સનાં વરિષ્ઠ વિશ્લેષ મેટ્ટ સિમ્પસને જણાવ્યું હતું કે વૈશ્વિક સોનું આૈંસદીઠ 2280થી 2300 ડૉલર આસપાસની સપાટીએ સ્થિર થાય તે પૂર્વે એકાદ નાનો ઉછાળો દર્શાવે તેવી શક્યતા નકારી ન શકાય. એકંદરે ફેડરલ રિઝર્વે લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદરની શક્યતા વ્યક્ત કરતાં તાજેતરની તેજીમાં ઘણાં તેજીના ખેલાડીઓ દાઝ્યા છે. આથી ટૂંકા સમયગાળામાં મોટો ઉછાળો આવે તેવી પાંખી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
જોકે, રૉઈટર્સનાં ટેક્નિકલ એનાલિસ્ટ વૉંગ તાઓના મતાનુસાર હાલના તબક્કે હાજર સોનામાં આૈંસદીઠ 2352 ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થશે અને જો આ ભાવસપાટી તૂટે તો ભાવ વધીને 2363 ડૉલર સુધી પહોંચી શકે છે. વધુમાં હાલ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી 62 ટકા શક્યતા વ્યક્ત થઈ રહી છે.