વૈશ્ર્વિક સોનું અઢી સપ્તાહના તળિયે, સ્થાનિકમાં ₹ ૧૨૭૭નું અને ચાંદીમાં ₹ ૧૫૪૭નું ગાબડું
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યપૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવ હળવો થતાં વૈશ્ર્વિક સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગનો અભાવ અને નફારૂપી વેચવાલીનું દબાણ વધતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ૧.૧ ટકા ઘટીને અઢી સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ સોનાના વાયદામાં અને ચાંદીના ભાવમાં પણ એક ટકાનો ઘટાડો આવ્યો હતો. હવે રોકાણકારોની નજર અમેરિકાનાં આર્થિક ડેટાઓ પર સ્થિર થઈ છે. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૭૨થી ૧૨૭૭ તૂટીને રૂ. ૭૨,૦૦૦ની સપાટીની અંદર ઉતરી ગયા હતા, જ્યારે તથા ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૫૪૭ના ગાબડાં સાથે રૂ. ૮૧,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયા હતા.
આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઘટતી બજારે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૫૪૭ના કડાકા સાથે રૂ. ૮૦,૦૦૭ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૭૨ ઘટીને રૂ. ૭૧,૩૧૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૨૭૭ ઘટીને રૂ. ૭૧,૫૯૮ના મથાળે રહ્યા હતા. આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે ખાસ કરીને મધ્યપૂર્વના દેશોનો તણાવ હળવો થતાં હાજરમાં સોનાના ભાવ ૧.૧ ટકા ઘટીને ગત પાંચમી એપ્રિલ પછીની સૌથી નીચી ઔંસદીઠ ૨૩૦૧.૧૪ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ એક ટકો ઘટીને ૨૩૨૨.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ એક ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૬.૯૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા. વૈશ્ર્વિક સોનામાં કેન્દ્રવર્તી બૅન્કોની, મધ્યપૂર્વનાં દેશોનાં તણાવને કારણે સલામતી માટેની અને વધતા ફુગાવા સામેની હેજરૂપી લેવાલી સહિત અન્ય કારણોસર લેવાલી પ્રબળ હતી. જોકે, આ પૈકી સલામતી માટેની લેવાલી મંદ પડતાં રોકાણકારોની નફારૂપી વેચવાલી નીકળી હોવાનું કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવતાં ઉમેર્યું હતું કે ગત સોમવારે (ગઈકાલે) ઈરાને ઈઝરાયલનાં ડ્રોન હુમલાને નકારતાં રાજકીય-ભૌગોલિક તણાવ હળવો થતાં સોનાના ભાવમાં એક વર્ષનો સૌૈથી મોટો બે ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હતો.