વૈશ્ર્વિક સોનું ત્રણ સપ્તાહની ટોચે, સ્થાનિકમાં રૂ. ૨૨૩ની તેજી સાથે રૂ. ૬૩,૦૦૦ની સપાટી કુદાવી
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતમાં આક્રમક વલણ અપનાવે તેવા આશાવાદો વચ્ચે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ વધીને ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યાના અહેવાલો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં ભાવ વધારો જોવા મળ્યો હતો, જેમાં ખાસ કરીને સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨૮થી ૨૨૯ની તેજી સાથે ફરી રૂ. ૬૩,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૫૬૯નો ચમકારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં તેજીનો કરંટ જોવા મળ્યો હતો, પરંતુ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં ૧૪ પૈસાનું બાઉન્સબૅક જોવા મળ્યું હતું આથી સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો, જેમાં હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨૮ વધીને રૂ.૬૩,૧૯૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૨૯ વધીને રૂ. ૬૩,૪૫૨ના મથાળે રહ્યા હતા. જોકે, તાજેતરમાં સોનામાં તેજીનો કરંટ જોવા મળી રહ્યો હોવાથી મુખ્યત્વે સોનાના જૂના કોઈન અને બારમાં વેચવાલીનું દબાણ જોવા મળે છે, પરંતુ નવામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો તથા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પણ પાંખી રહેતી હોવાનું બજારનાં સાધનોએ ઉમેર્યું હતું. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૫૬૯ની તેજી સાથે રૂ. ૭૪,૬૩૩ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ સુધારા સાથે ઔંસદીઠ ૨૦૭૨.૦૯ની ત્રણ સપ્તાહની ઊંચી સપાટી આસપાસ અને વાયદામાં ભાવ ૦.૫ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૦૮૨.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ઔંસદીઠ ૨૪.૨૨ ડૉલર આસપાસના મથાળે ટકેલા રહ્યા હતા.