રેટ કટનો આશાવાદ પ્રબળ બનતાં વૈશ્ર્વિક સોનું સર્વોચ્ચ સપાટીએ
લંડન: ગત જૂન મહિનામાં અમેરિકા ખાતે ફુગાવામાં જોવા મળેલા ઘટાડાની સાથે ફેડરલ રિઝર્વનાં અધિકારીઓ પણ આગામી સપ્ટેમ્બર મહિનાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં તેજીનો અન્ડરટોન જળવાઈ રહેતાં ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિકમાં મોહરમની જાહેર રજાને કારણે ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન બંધ હોવાથી સોનાચાંદીના ભાવની સત્તાવાર ધોરણે કોઈ જાહેરાત નહોતી થઈ.
વિશ્ર્વ બજારમાં ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી ધારણા હેઠળ ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર એક તબક્કે હાજરમાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૪૮૨.૨૯ ડૉલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચીને પાછા ફર્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે વધુ ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૪૬૯.૮૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૩ ટકા વધીને ૨૪૭૪.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના વધ્યા મથાળેથી ૦.૪૧ ટકા ઘટીને ઔંસદીઠ ૩૦.૯૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે સપ્ટેમ્બર મહિનાથી રેટ કટનો આશાવાદ અને ડી-ડૉલરાઈઝેશનના વિચારને ધ્યાનમાં લેતા અમેરિકી ટ્રેઝરીની ઊપજ સામે કેન્દ્રવર્તી બૅન્કો સોનાની ખરીદીમાં કેવું વલણ અપનાવે છે તેને ધ્યાનમાં લેતાં સોનાની તેજી વધુ ઉગ્ર બની હોવાનું એલિગિયન્સ ગોલ્ડનાં ચીફ ઓપરેટિંગ ઑફિસર એલેક્સ એબકેરિયને જણાવતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં ચંચળતા જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. વધુમાં પશ્ર્ચિમની બજારોની માગ, રાજકીય-ભૌગોલિક જોખમો અને મંદીની ભીતિ વચ્ચે વર્ષ ૨૦૨૪નાં બીજા છમાસિકગાળામાં સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૬૦૦થી ૨૭૦૦ ડૉલરની સપાટી સુધી પહોંચી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું. જોકે, યુબીએસનાં વિશ્ર્લેષક ગિઓવન્ની સ્ટુનોવોએ જણાવ્યું હતું કે સોનાના બાર્સ અને કોઈનમાં સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો છે, પરંતુ ઊંચા ભાવની માઠી અસર સોનાના આભૂષણોની માગ પર પડી રહી છે. ગત સોમવારે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે જણાવ્યું હતું કે જે ગતિએ ફુગાવામાં ઘટાડો થઈ રહ્યો છે તે જોતાં ફુગાવો લક્ષ્યાંકિત સપાટી સુધી પહોંચે તેવા ફેડરલ રિઝર્વનાં વિશ્ર્વાસમાં વધારો થયો છે. વધુમાં ફેડરલનાં એડરિના કુગ્લર અને જ્હોન વિલિયમ્સે પણ ફુગાવો બે ટકાના લક્ષ્યાંક સુધી પહોંચવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. હાલમાં સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકે તેવી ૯૮ ટકા શક્યતા જોઈ રહ્યા છે.