વૈશ્ર્વિક સોનું એક મહિનાના તળિયે: સ્થાનિક સોનામાં ₹ ૪૭૯નો અને ચાંદીમાં ₹ ૬૨૭નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતાઓ વચ્ચે આજે ડૉલર ઈન્ડેક્સ ૧૦ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યાના નિર્દેશો સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો અને ભાવ ઔંસદીઠ ૧૯૦૦ ડૉલરની સપાટીની અંદર ઉતરી ગયા હતા. તેમ જ ચાંદીના ભાવ પણ ઘટી આવ્યા હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ અને ડૉલર સામે રૂપિયામાં છ પૈસાનો સુધારો આવતાં સ્થાનિકમાં આયાત પડતરો ઘટી આવતા સ્થાનિક ઝવેરી બજારમાં બન્ને કિંમતી ધાતુઓમાં ભાવ ઘટ્યા હતા, જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૭૭થી ૪૭૯નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૬૨૭ના ઘટાડા સાથે ૭૧,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ અને ભાવઘટાડાના માહોલમાં ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૬૨૭ ઘટીને રૂ. ૭૦,૯૩૦ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૭૭ ઘટીને રૂ. ૫૮,૨૨૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ.૪૭૯ ઘટીને રૂ. ૫૮,૪૫૪ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ વધીને ૧૦ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યાના નિર્દેશો અને ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી વ્યાજદર ઊંચા રાખે તેવી શક્યતા હોવાથી લંડન ખાતે સત્રના આરંભે ભાવઘટાડો આગળ ધપતાં હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને અનુક્રમે ઔંસદીઠ ૧૮૯૫.૧૩ ડૉલર અને ૧૯૧૩.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨.૭૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ફુગાવાને અંકુશમાં લાવવા માટે ફેડરલ રિઝર્વ હજુ વ્યાજદરમાં વધારો કરે તેવી ૪૦ ટકા શક્યતા મિનિયાપૉલિસ ફેડ બૅન્કના પ્રમુખ નીલ કશ્કરીએ ગઈકાલે વ્યક્ત કરી છે તે જોતા ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી વ્યાજદર ઊંચા રાખે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં સોનાના ભાવ વધુ દબાણ હેઠળ આવી રહ્યા હોવાનું આઈજી માર્કેટનાં સ્ટ્રેટેજિસ્ટો જણાવ્યું હતું.