વેપાર

વૈશ્ર્વિક સોનું પાંચ સપ્તાહના તળિયે: સ્થાનિકમાં ₹ ૩૦૭ તૂટ્યા, ચાંદીમાં ₹ ૨૯૩ ઘટીને ₹ ૭૧,૦૦૦ની અંદર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધિકારીઓ તરફથી તંગ નાણાનીતિ જાળવી રાખવાના અણસાર, ગત ડિસેમ્બર મહિનામાં અમેરિકાના રિટેલ વેચાણમાં અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ રહેતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ નરમાઈતરફી વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી ૦.૩ ટકા જેટલો સુધારો આવ્યો હતો. તેમ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં બન્ને કિંમતી ધાતુઓમાં ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ અને માગ નિરસ રહેતાં ભાવઘટાડો આગળ ધપ્યો હતો. જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૦૬થી ૩૦૭નો અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૨૯૩ના ઘટાડા સાથે રૂ. ૭૧,૦૦૦ની સપાટીની અંદર ઉતરી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ નીચા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૯૩ના ઘટાડા સાથે રૂ. ૭૦,૮૯૮ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં ઓવરનાઈટ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ અને વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ, જૂના સોનામાં વેચવાલીનું દબાણ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૦૬ ઘટીને રૂ. ૬૧,૭૨૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૦૭ ઘટીને રૂ. ૬૧,૯૭૦ના મથાળે રહ્યા હતા.

ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડની મજબૂતી સાથે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ એક તબક્કે ઘટીને ગત ૧૩ ડિસેમ્બર પછીની સૌથી નીચી ૨૦૦૧.૭૨ ડૉલર સુધી ઘટી આવ્યા બાદ ધીમો સુધારો આવ્યો હતો. વધુમાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ નોંધાતા લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૨૦૧૧.૨૯ ડૉલર અને ૨૦૧૩.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૬૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અમેરિકી ફેડરલ રિઝર્વનાં ગવર્નર ક્રિસ્ટોફર વૉલરે ફેડરલ રિઝર્વ વ્યાજદર કપાતમાં ઉતાવળ નહીં કરે એવા સંકેતો આપ્યા બાદ ડૉલર તથા ટ્રેઝરીની યિલ્ડમાં તેજી આગળ ધપતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું સિંગાપોર સ્થિત ડીલર ગોલ્ડ સિલ્વર સેન્ટ્રલનાં બ્રિઆન લાને જણાવતાં ઉમેર્યું હતું કે હવે રોકાણકારોની નજર આજે મોડી સાંજે યોજાનારા બે પ્રસંગમાં એટલાન્ટા ફેડનાં પ્રમુખ રાફેલ બોસ્ટીકનાં વક્તવ્ય પર સ્થિર થઈ છે. જોકે, સીએમઈ ફેડ વૉચ ટૂલ અનુસાર હવે બજાર વર્તુળો જે અગાઉ માર્ચ મહિનામાં વ્યાજદર કપાતની શક્યતા જે ૭૫ ટકા વ્યક્ત કરી રહ્યા હતા તે હવે ૬૧ ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button