વૈશ્વિક કોપરમાં પુરવઠાખેંચની ચિંતા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ઈન્ડોનેશિયા, કૉંગો અને ચિલીની ખાણમાં કોપરનું ઉત્પાદન ખોરવાઈ જવાની સાથે આગામી વર્ષ 2026માં વૈશ્વિક સ્તરે રિફાઈન્ડ કોપરમાં 1.50 લાખ ટનની ખેંચ જોવા મળે તેવી શક્યતા ઈન્ટરનેશનલ કોપર સ્ટડી ગ્રૂપે વ્યક્ત કરતાં આજે લંડન ખાતે કોપરના ભાવમાં 1.9 ટકા જેટલો ઉછાળો આવ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને કોપર અને બ્રાસની વેરાઈટીઓ, ટીન, નિકલ તથા એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં કિલોદીઠ રૂ. બેથી 16નો ઉછાળો આવ્યો હતો.
જોકે, આજે ખપપૂરતી માગને ટેકે ઝિન્ક સ્લેબ, લીડ ઈન્ગોટ્સ અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં ટકેલું વલણ રહ્યું હતું.
આપણ વાંચો: કોપરમાં તેજીની આગેકૂચ, ટીનમાં સ્ટોકિસ્ટોની વેચવાલી…
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં ચમકારો જોવા મળ્યો હતો તેમાં કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. 16 વધીને રૂ. 1046, નિકલના ભાવ કિલોદીઠ રૂ. 15 વધીને રૂ. 1378, કોપર કેબલ સ્ક્રેપ અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. 10 વધીને અનુક્રમે રૂ. 957 અને રૂ. 930 તથા બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. આઠ વધીને રૂ. 608ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવમાં સુધારો જોવા મળ્યો હતો તેમાં કોપર સ્ક્રેપ હેવી અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. સાત વધીને અનુક્રમે રૂ. 943 અને રૂ. 867, બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. 655 અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. 270ના મથાળે રહ્યા હતા. જોકે, આજે માત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, ઝિન્ક સ્લેબ તથા લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 217, રૂ. 298 અને રૂ. 185ના મથાળે ટકેલા રહ્યા હતા.