વૈશ્ર્વિક કોપર ૧૧ મહિનાના તળિયે: સ્થાનિકમાં ટીનની આગેવાની હેઠળ ધાતુમાં જળવાતી પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ માત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં જોવા મળેલા સાધારણ કિલોદીઠ રૂ. એકના સુધારા અને લીડમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને ઘટતી બજારે વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ ખપપૂરતી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૧૦નો ઘટાડો જોવા મળ્યો હતો. ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનમાં પ્રોપર્ટી માર્કેટની પ્રવર્તમાન કટોકટીને દૂર કરવા સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાતની ધૂંધળી બની રહેલી શક્યતા અને મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતા આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપરનાં ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ આગલા બંધ સામે ૦.૯ ટકા ઘટીને ટનદીઠ ૭૮૭૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય ઝિન્કના ભાવ ૧.૭ ટકા, લીડના ભાવ ૦.૯ ટકા, એલ્યુમિનિયમ અને નિકલના ભાવ ૦.૭ ટકા અને ટીનના ભાવ ૦.૬ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહ્યું હતું. તેમ જ ઘટતી બજારે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ પણ ખપપૂરતી રહેતાં જે ધાતુઓના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો. જેમાં મુખ્યત્વે ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૧૦ ઘટીને રૂ. ૨૨૦૦, કોપર સ્ક્રેપ હેવી અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ચાર ઘટીને અનુક્રમે રૂ. ૬૭૮ અને રૂ. ૪૯૦, કોપર આર્મિચર, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, કોપર વાયરબાર અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને અનુક્રમે રૂ. ૬૬૯, રૂ. ૬૩૭, રૂ. ૪૬૦, રૂ. ૭૧૨ અને રૂ. ૨૧૯, કોપર કેબલ સ્ક્રેપ અને નિકલના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૬૮૯ અને રૂ. ૧૫૮૮ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. ૨૦૬ના મથાળે રહ્યા હતા. જોકે, આજે માત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં વપરાશકાર ઉદ્યોગની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. એકના સુધારા સાથે રૂ. ૧૬૪ના મથાળે અને લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતા કામકાજે ભાવ કિલોદીઠ રૂ. ૧૮૯ના મથાળે ટકેલા રહ્યા હતા.