સોનામાં રૂ. 17નો અને ચાંદીમાં રૂ. 312નો ધીમો સુધારો
મુંબઈઃ ક્રિસમસની રજાઓનાં માહોલમાં આજે લંડન ખાતે સત્રના આરંભે પાંખાં કામકાજો ઉપરાંત ભાવી અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની વેપાર અને વેરાની અનિશ્ચિતતા સાથે ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેના અભિગમના અવઢવ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. તેમ જ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો આઠ પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 17નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 312નો સાધારણ સુધારો આગળ વધ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થનિિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લે-વેચનો અભાવ રહ્યો હોવા છતાં વૈશ્શ્વક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 312 વધીને રૂ. 87,800ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પાંખાં કામકાજો વચ્ચે ખાસ કરીને ડૉલર સામે રૂપિયો નબળો પડતાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 17ના સાધારણ સુધારા સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 75,657 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 75,961ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં જ્વેલરી ઉત્પાદકોનો નવી લેવાલીનો અભાવ હતો, પરંતુ રિટેલ સ્તરની છૂટીછવાઈ માગ જળવાઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે ક્રિસમસની રજાઓના માહોલમાં પાંખાં કામકાજો વચ્ચે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા વધીને આૈંસદીઠ 2620.83 ડૉલર અને વાયદામાં ભાવ 0.2 ટકા વધીને 2634.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.2 ટકા વધીને આૈંસદીઠ 29.71 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અમેરિકી ફેડરલ રિઝર્વે ગત 18 ડિસેમ્બરની બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવાની સાથે આગામી વર્ષ 2025માં ઓછી વખત વ્યાજદરમાં કપાતની શક્યતા વ્યક્ત કરતાં હવે રોકાણકારોમાં વ્યાજદરમાં ક્યારે ઘટાડો કરવામાં આવશે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. સામાન્યપણે ઊંચા વ્યાજદરના સંજોગોમાં સોના જેવી કિંમતી ધાતુઓમાં રોકાણકારોની માગ નથી હોતી.
ગત સપ્તાહે અમેરિકા ખાતે ફુગાવામાં જોવા મળેલી વૃદ્ધિને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ આગામી વર્ષ 2025માં 35 બેસિસ પૉઈન્ટના ઘટાડાની અપેક્ષા રોકાણકારો રાખી રહ્યા છે. આ સિવાય રોકાણકારોની નજર આગામી વર્ષે નવા અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ ટેરિફ અંગે વેપારી ભાગીદાર દેશો સાથે કેવી નીતિ અપનાવે છે તેના પર હોવાનું ઓએએનડીએનાં એશિયા પેસિફિક વિભાગના વિશ્લેષક કેલ્વિન વૉંગે જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે મારા મતે જો ટેરિફ અંગે વાટાઘાટોની નીતિ અર્થાત્ જો અમારા આ ઉત્પાદનો નહીં લો તો અમે તમારી ચીજો પર વધુ ટેરિફ લાદશુ એવી નીતિ રહેશે તો બજારમાં ભારે ચંચળતા રહેશે અને સોનામાં સલામતી માટેની માગ રહે તેવી શક્યતા નકારી ન શકાય.
આ પણ વાંચો ફરી ડૉલર સામે રૂપિયો ગગડ્યોઃ જાણો ક્યા પહોંચ્યો
જાન્યુઆરી મહિનાથી વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પનું આગમન થઈ રહ્યું હોવાથી અમેરિકી રોકાણકારો ટેરિફ અને વેરાની નીતિને ધ્યાનમાં લઈ સજ્જ થઈ રહ્યા છે. જોકે, આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનામાં હળવી નાણાનીતિના આશાવાદ, રાજકીય-ભૌગોલિક તણાવ અને કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીને ટેકે વૈશ્વિક ભાવમાં 27 ટકા જેટલો ઉછાળો આવ્યો છે, જે વર્ષ 2010 પછીની સૌથી વધુ ઉછાળો છે.