વૈશ્વિક સોનું બે સપ્તાહની ટોચે ટકેલું, સ્થાનિકમાં શુદ્ધ સોનું રૂ. 355 વધીને રૂ. 1,01,000ની પાર , ચાંદી રૂ. 818 વધી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આવતીકાલે અમેરિકાના પર્સનલ ક્નઝમ્પશન એક્સપેન્ડિચર ડેટાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈનું વલણ રહેવાની સાથે આગામી સપ્ટેમ્બર મહિનામાં રેટ કટ કરવામાં આવે તેવો આશાવાદ પણ સપાટી પર રહેતાં સોનાના ભાવ ગઈકાલની બે સપ્તાહની ઊંચી સપાટી આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે ચાાંદીના ભાવમાં પણ સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં ગઈકાલે ગણેશ ચતુર્થીની જાહેર રજા નિમિત્તે બંધ રહ્યા બાદ આજે મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 354થી 355નો સુધારો આગળ ધપ્યો હતો, જેમાં શુદ્ધ સોનાના ભાવે રૂ. 1,01,000ની સપાટી પાર કરી હતી અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 818 વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 818 વધીને રૂ. 1,16,688ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 354 વધીને રૂ. 1,00,834ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 355 વધીને રૂ. 1,01,239ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે ડૉલર ઈન્ડેક્સ 0.1 ટકાના ઘટાડા સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી હાજરમાં સોનાના ભાવ ગઈકાલની બે સપ્તાહની ઊંચી આૈંસદીઠ 3394.60 ડૉલરની ઊંચી સપાટી આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ 0.1 ટકા વધીને 3451.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા વધીને આૈંસદીઠ 38.86 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી 16-17 સપ્ટેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કપાત અંગેનાં નિર્ણયમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર પર્સનલ ક્નઝમ્પશન એક્સપેન્ડિચર ડેટાની જાહેરાત પર રોકાણકારોની નજર હોવાથી તેમ જ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે જેક્શન હૉલ ખાતેના વક્તવ્યમાં વ્યાજદરમાં કપાતના સંકેત આપ્યા હોવાથી આજે સોનાના ભાવ ઊંચી સપાટીએ જળવાઈ રહ્યા હોવાનું કેપિટલ ડૉટ કૉમના ફાઈનાન્સિયલ માર્કેટ એનાલિસ્ટ ક્યેલ રોડ્ડાએ જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો ફુગાવો ફેડરલ રિઝર્વના લક્ષ્યાંક આસપાસ રહેશે તો સોનાની તેજીને ટેકો મળશે અને ભાવ આૈંસદીઠ 3400 ડૉલરની સપાટી પાર કરે તેવી શક્યતા નકારી ન શકાય. જોકે, તાજેતરમાં રૉઈટર્સ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં જુલાઈ મહિનાનો અમેરિકાનો પર્સનલ ક્નઝમ્પશન એક્સપેન્ડિચર વધીને 2.6 ટકા આસપાસ રહેવાની ધારણા અર્થશાસ્ત્રીઓએ મૂકી છે. વધુમાં આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો ધારણા મૂકી રહ્યા છે.