ગાઝા હૉસ્પિટલમાં ધડાકો: વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૫૫૭નો અને ચાંદીમાં ₹ ૧૩૫૧નો ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલના ગાઝા હોસ્પિટલમાં ધડાકા પશ્ર્ચાત્ મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની શક્યતા પ્રબળ બનવાની સાથે આજે લંડન ખાતે સોનામાં સલામતી માટેની માગ નીકળી હતી. તેમ જ સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનના આર્થિક ડેટાઓ પ્રોત્સાહક આવતા સોનામાં સુધારાને ટેકો મળતા સત્રના આરંભે સોનાના ભાવ એક ટકા અને ચાંદીના ભાવ ૧.૬ ટકાના ઉછાળા સાથે ક્વૉટ થઈ રહ્યાના નિર્દેશોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૩૫૧નો અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫૪થી ૫૫૭નો ઉછાળો આવ્યો હતો.
આજે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૩૫૧ વધીને રૂ. ૭૨,૦૦૦ની સપાટી પાર કરીને રૂ. ૭૨,૧૯૭ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહી હતી. વધુમાં આજે વિશ્ર્વ બજાર પાછળ ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫૪ વધીને રૂ. ૫૯,૬૦૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૫૭ વધીને રૂ. ૫૯,૮૪૦ના મથાળે રહ્યા હતા, પરંતુ તાજેતરમાં સોનામાં તેજીનો અન્ડરટોન રહેતાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી અત્યંત મર્યાદિત રહી હતી.
દરમિયાન ગઈકાલે ગાઝા સિટી હોસ્પિટલમાં થયેલા ધડાકામાં અંદાજે ૧૦૦ વ્યક્તિઓના મોત થયા હોવાનું પેલેસ્ટેનિયન અધિકારીઓએ જણાવતાં મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવ ગઈકાલના બંધ સામે એક ટકા ઉછળીને અનુક્રમે ઔંસદીઠ ૧૯૪૧.૫૦ ડૉલર અને ૧૯૫૫.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૬ ટકા ઉછળીને ઔંસદીઠ ૨૩.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તાજેતરમાં સોનાને મધ્યપૂર્વના દેશોની રાજકીય-ભૌગોલિક સ્થિતિનો લાભ ઉપરાંત ક્રૂડતેલના ઊંચા ભાવ અને સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનનાં આર્થિક ડેટા પ્રોત્સાહક આવતા લાભ મળી રહ્યો હોવાનું એક વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે હવે રોકાણકારોની નજર આવતીકાલનાં અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં વક્તવ્ય પર સ્થિર થઈ છે. કે ઈઝરાયલ-હમાસ વિવાદ પશ્ર્ચાત્ સોનાના વૈશ્ર્વિક ભાવમાં અંદાજે ૧૦૦ ડૉલરની તેજી ફૂંકાઈ ગઈ છે.