ટોપ ન્યૂઝનેશનલવેપાર

Gautam Adani બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, અંબાણીને છોડ્યા પાછળ

નવી દિલ્હીઃ પીઢ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે મુકેશ અંબાણીને પાછળ છોડીને ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એટલું જ નહીં ગૌતમ અદાણીએ વિશ્વના અબજોપતિઓની યાદીમાં જોરદાર છલાંગ લગાવી છે અને 12મા સ્થાને પહોંચી ગયા છે. ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ જબરદસ્ત વધારો થયો છે. શેરબજારમાં તેજીને કારણે તેમની સંપત્તિમાં 24 કલાકમાં 7.6 અબજ ડોલરનો વધારો થયો છે.

મુકેશ અંબાણીની વાત કરીએ તો તેઓ અબજોપતિઓની યાદીમાં 12મા સ્થાનેથી 13મા સ્થાને આવી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ મુકેશ અંબાણીની નેટવર્થ 97 બિલિયન ડોલર છે. છેલ્લા 24 કલાકમાં તેની નેટવર્થ 665 મિલિયન ડોલર વધી છે.


અદાણી ગ્રૂપના માલિક અને હવે ભારતના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી અબજોપતિઓની યાદીમાં 12મા નંબરે આવી ગયા છે. ગુરુવાર સુધી તે આ લિસ્ટમાં 14માં નંબર પર હતા, પરંતુ 24 કલાકમાં શેર બજારની તેજીને કારણે તેની નેટવર્થમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી અને તેઓ 14માં સ્થાનેથી 12માં સ્થાને પહોંચી ગયા હતા અને ભારતના સૌથી અમીર વ્યક્તિ પણ બન્યા હતા. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણીની નેટવર્થ 97.6 બિલિયન ડોલર થઈ ગઈ છે.


તમને વિચાર આવશે કે ગૌતમ અદાણીની નેટવર્થ આટલી ઝડપથી કેવી રીતે વધી. તો એનું કારણ એ છે કે અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના કારણે કંપનીનું મૂલ્ય વધી રહ્યું છે. આવી સ્થિતિમાં ગૌતમ અદાણીની નેટવર્થ પણ વધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મામલે સેબીની તપાસ સાચા માર્ગ પર છે. આ ઉપરાંત સેબીને 24માંથી બાકીના 2 કેસની તપાસ માટે વધુ 3 મહિનાનો સમય પણ આપવામાં આવ્યો છે.


છેલ્લા બે દિવસમાં સતત વધારા સાથે શુક્રવારે પણ અદાણી ગ્રુપના શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ACC સિમેન્ટનો શેર BSE પર શેર દીઠ 3.20% વધીને રૂ. 2,352 થયો હતો. તો અદાણી પોર્ટ લગભગ 3 ટકા, અદાણી પાવર 2 ટકા, અદાણી ટોટલ ગેસ 2 ટકા, અદાણી વિલ્મર શેર 0.12 ટકા અને અંબુજા સિમેન્ટ લગભગ 3 ટકા વધ્યા હતા, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝના શેર 0.18 ટકા ઘટ્યા હતા. જોકે, અદાણી એનર્જી સોલ્યુશન્સ 0.41% અને અદાણી એનર્જીના શેર્સ 0.43% ઘટ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button