ટીન સિવાયની ધાતુઓમાં આગળ ધપતો ઘટાડો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ ઉપરાંત અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવા સંકેતોને ધ્યાનમાં લેતાં વૈશ્ર્વિક આર્થિક મંદીની ભીતિ સપાટી પર આવતાં આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે પાંખાં કામકાજો વચ્ચે ધાતુઓના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં એકમાત્ર ટીનમાં જોવા મળેલા કિલોદીઠ રૂ. ૧૮ના સુધારા અને ઝિન્ક સ્લેબ તથા એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓના ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૩૫ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે નિકલ, કોપર વાયરબાર અને કોપર આર્મિચરમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી અને વપરાશકાર ઉદ્યોગની ખપપૂરતી માગ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૩૫ ઘટીને રૂ. ૧૬૮૦, રૂ. ૧૦ ઘટીને રૂ. ૭૩૭ અને રૂ. પાંચ ઘટીને રૂ. ૬૮૮ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે અન્ય ધાતુઓમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની ખપપૂરતી માગ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર કેબલ સ્ક્રેપ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ .ચાર ઘટીને અનુક્રમે રૂ. ૭૧૩ અને રૂ. ૬૫૦, કોપર સ્ક્રેપ હેવી અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને અનુક્રમે રૂ. ૭૦૪ અને રૂ. ૪૭૨, બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. ૫૦૩ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને અનુક્રમે રૂ. ૨૦૮ અને રૂ. ૧૮૯ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે એકમાત્ર ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૮ વધીને રૂ. ૨૨૨૩ના મથાળે રહ્યા હતા.