વેપાર

ખાંડમાં ₹ ૧૨થી ૨૦નો આગળ ધપતો સુધારો

નવી મુંબઈ: વર્તમાન ઑગસ્ટ મહિનામાં સરકારે ગત જુલાઈ મહિનાના વણ વેચાયેલા ક્વૉટાનું ૧૫ ઑગસ્ટ સુધી એક્સ્ટેન્શન આપ્યું હોવાથી મિલો પર વેચવાલીનું દબાણ હળવું થતાં તાજેતરમાં મથકો પર ભાવમાં મક્કમ વલણ જળવાઈ રહ્યું છે. વધુમાં ગઈકાલે સ્થાનિક તથા દેશાવરોની માગ મજબૂત રહેતાં મહારાષ્ટ્રની મિલો પર સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૨૦ના સુધારા સાથે ક્વિન્ટલે રૂ. ૩૬૫૦થી ૩૭૦૦માં થયાના અહેવાલ હતા. આમ મથકો પરનાં પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦થી ૨૦નો અને મિડિયમ ગ્રેડની ખાંડમાં ક્વિન્ટલે રૂ. ૧૦થી ૧૨નો સુધારો આગળ ધપ્યો હતો. આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતાં ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો, જેમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૨૦ અને ઉપલા મથાળેથી રૂ. ૧૦ વધીને રૂ. ૩૭૫૦થી ૩૮૩૨માં થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૨ અને ઉપલા મથાળેથી રૂ. ૧૦ વધીને રૂ. ૩૮૧૨થી ૩૯૫૨માં થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button