ફ્રોડ: કોરોના મહામારીમાં પણ માણસાઇ નેવે?
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ
કોરોના તો હવે કદાચ લોકોની યાદદાસ્તમાંથી ભુલાઇ રહ્યું હશે. પણ જે લોકોએ નોકરી ધંધામાં નુકસાન સહન કરવું પડેલ છે અને કોરોનાના લોકડાઉનના કારણે જેઓની જિંદગીની દિશાઓ બદલાઇ ગઇ છે તે કોરોનાને ક્યારેય ભૂલી નહીં શકે કારણકે ખાસ કરીને જે લોકો જેમણે કોરોનાના સમયના થોડા મહિનાઓ અગાઉ જ તેઓનું તમામ સેવિંગ્ઝ લગાવીને અને પર્સનલ કે બૅન્ક લોન લઇને ધંધાની શરૂઆત કરેલ અને લોકડાઉનના કારણે તુરત જ મહિનાઓ સુધી ધંધા વ્યવસાય ઠપ થઇ ગયેલા અને લાખો અને કેટલાક કેસમાં કરોડોનું નુકસાન સહન કરવું પડેલ હતું. જેમાં બાળકોનું ભવિષ્ય પણ દાવમાં લાગી ગયેલ હતું. કે જઓને નવી નોકરી મળેલ અને તુરત ગુમાવી પડેલી આમ જો કોરોનાની આફટર ઇફેકટસની ચર્ચા કરીએ તો કલાકો ઓછા પડે અને લેખ લખવામાં પાનાં!
કોરોનામાં સામાન્યથી અતિસામાન્ય માણસે તેનાથી બનતી મદદ કરતા પણ વધારે તન મન અને ધનથી સહાયતા કરેલી હતી. જેના થકી સમાજના અમુક વર્ગના લોકો ટકી શકે અને તેઓની રોજબરોજની જિંદગી સરળતાથી જીવી શકે. પણ જો બધા જ લોકોમાં આટલી સહાનુભૂતિ હોય તો પછી આપણે કળીયુગમાં જીવીએ છીએ એમ કેમ કહી શકાય?
કોરોના ફ્રોડ: કોરોના કાળમાં તમામ દેશની સરકારે તેઓના નાગરિકોને બનતી મદદ કરેલી જેમ કે ભારતમાં લગભગ ૮૦ કરોડ લોકોને ફ્રી રાશન હજુ સુધી આપવામાં આવે છે પણ અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં લોકોને કોરોનામાં રાહત આપવામાં રોકડા રૂપિયાની મદદ કરવામાં આવી હતી અને આ રોકડ સહાયના કારણે જ અમેરિકામાં કોરોનાના મોટા મોટા સ્કેમ બહાર આવ્યા છે.
પે ચેક પ્રોટેકશન પ્રોગ્રામ, અનએમ્પલોયમેન્ટ રિલીફ પ્રોગ્રામ અને કોવિદ ડિઝાસ્ટર રિલીફ પ્રોગ્રામ અંતગર્ત અબજો ડૉલર્સની રોકડ સહાય અમેરિકન સરકારે કરેલ હતી પણ હવે ઇન્વેસ્ટિગેશનમાં જે હકીકત બહાર આવી છે તે ચોંકાવનારી છે એક અંદાજ પ્રમાણે લગભગ ૪૦૦ બિલિયન ડૉલર્સની રકમ ખોટા કલેઇમ કરીને આ તત્ત્વોએ જેબ ભરેલ છે. અલગ અલગ સહાયતા માટે અલગ અલગ પેંતરાઓ રચાયેલા હતા જેમ કે અનએમ્પ્લોયમેન્ટ રિલીફમાં આ ક્રિમિનલ સીન્ડિકેટોએ ખોટા ખોટા બેરોજગારોનાં નામો ઊભા કરીને અબજો ડૉલર્સની કમાણી કરી કારણ કે એક અનએમ્પલોયમેન્ટ માટે ૩૦૦૦૦ ડૉલર્સ જેવી રકમ અમેરિકન સરકાર આપતી હતી. આવી જ રીતે પે ચેક પ્રોટેકશન પ્રોગ્રામ હેઠળ ધંધાદારી સંસ્થાઓને તેઓના પગારદાર દીઠ એક નિશ્ર્ચિત સહાય અમેરિકન સરકાર દ્વારા આપવામાં આવતી હતી તેમાં પણ નોકરિયાતોની સંખ્યા વધારીને અને હજારો કેસીસમાં તો ખોટા માત્ર કાગળ ઉપર જ કંપનીઓ ઊભી કરીને અબજોની રકમ ઉસેડી લેવામાં આવેલ છે. સ્મોલ બિઝનેસમેનને લોકડાઉનમાં બહુ ઇન્કવાયરી નહીં કરતા તુરંત જ સહાયતા પ્રદાન કરવામાં આવતા તેમાં પણ બહુ ખોટા ક્લેઇન જોવા મળ્યા છે.
૩૭૧ લોકો સામે ક્રિમિનલ ચાર્જીસ ફાઇલ કરવામાં આવેલ જેમાંથી ૧૧૯ જણાએ ગુનાહ કબૂલ કરીને ૫૭ મિલિયન ડૉલર્સના દાવાઓ તેમના ઉપર કરવામાં આવેલા છે.
જેઓ ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમાંના કેટલાક ખૂંખાર ગુનેહગારો ક્રિમિનલ સિન્ડિકેટો જાણવામાં આવેલ છે. જેઓએ ખોટા ક્લેઇમો કરીને મેળવેલાં નાણાં તેની ગુનાહ પ્રવૃત્તિમાં વાપરતા જોવા મળ્યા છે.
આ ઉપરાંત મેડિકલ સહાયતામાં ખોટાં બિલો રજૂ કરીને ખોટા કલેઇમ કરીને અને આવા તો અનેક શૈતાની દિમાગથી ક્લેઇમો કરીને નાણાં ઘર ભેગા કરવામાં આવેલ છે.
આ માત્ર અમેરિકા પૂરતું જ સીમિત નથી પણ અમેરિકામાં થયેલા ફ્રોડની રકમ એટલી મોટી છે કે આ રકમ તો કેટલાય નાના દેશોની જીડીપી કરતાં પણ વધારે છે તેથી આંખે ચડે છે. હવે તો બાયડન સરકાર આ બાબતમાં બહુ સ્ટ્રીક્ટ થઇ ગયેલ છે પણ ફ્રોડની રકમની રીકવરી તો બહુ મુશ્કેલ છે. પણ વધારે થતું નુકસાન અટકાવવાના પ્રયાસો કરી રહેલ છે.
આમ જયારે એક તરફ અતિગરીબ માણસ પણ કોરોનામાં તેનાથી થતી મદદ કરી રહ્યો હતો. અને દુનિયાના લગભગ તમામ સામાન્ય નાગરિકોએ કોરોનામાં તન મન ધનથી મદદ કરેલ અને તેઓની ઓફિસો, વાહનો કોરોનાની સારવારમાં લગાવી દીધેલા ત્યારે બીજી તરફ પહોંચવા લોકોમાંથી કેટલાક લેભાગુઓએ માણસાઇ નેવે મૂકીને લાશોના સોદા કરીને કમાણી કરી છે તે પુરવાર છે કે કળીયુગમાં માણસ કેટલી હદે નીચે જ ઇ શકે છે.
કહેવાય છે કે ભલે ૧૦૦ ગુનેહગારો છૂટી જાય પણ એક નિર્દોષને સજા ના થવી જોઇએ તેમ જો માણસ પણ નક્કી કરે કે ભલે ૧૦૦ દિવસ ભૂખ્યા રહેવું પડે પણ એક દિવસ ચોરીની રોટી નહીં ખાઉં તે દિવસે તેના માટે સ્વર્ગ અહીં જ હશે કારણ કે “પેરેડાઇઝ ઇઝ નોટ અ પ્લેસ ઇટસ સ્ટેટ ઓફ માઇન્ડ.