વેપાર

નવેમ્બરમાં અત્યાર સુધીમાં એફપીઆઈની રૂ. 12,569 કરોડની ચોખ્ખી વેચવાલી

નવી દિલ્હીઃ ગત ઑક્ટોબર મહિનામાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની વેચવાલી સાધારણ અટક્યા બાદ પુનઃ નવેમ્બર મહિનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતા વેચવાલીનું દબાણ વધ્યું હતું અને અત્યાર સુધીમાં તેઓની ઈક્વિટીમાં રૂ. 12,569 કરોડની ચોખ્ખી વેચવાલી રહી છે.

ડિપોઝિટરીઝની આંકડાકીય માહિતી અનુસાર ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ સ્થાનિક બજારમાં ઈક્વિટીમાં ગત જુલાઈ મહિનામાં રૂ. 17,700 કરોડની, ઑગસ્ટમાં રૂ. 34,990 કરોડની અને સપ્ટેમ્બરમાં રૂ. 23,885 કરોડની ચોખ્ખી વેચવાલી કર્યા બાદ પહેલી વખત ગત ઑક્ટોબર મહિનામાં રૂ. 14,610 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.

એકંદરે અન્ય મુખ્ય બજારોની સરખામણીમાં ભારતીય બજારની કામગીરી નબળી રહી હોવાથી નવેમ્બરમાં અત્યાર સુધીમાં દિનપ્રતિદિન ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે જણાવતા ઉમેર્યું હતું કે એકંદરે વર્ષ 2025માં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની પ્રવૃત્તિ પર નજર દોડાવીએ તો જણાશે કે તેઓએ ફંડોનું હેજિંગ કર્યું છે. ભારતીય બજારમાંથી વેચાણ કરીને તેઓની ખાસ કરીને ચીન, દક્ષિણ કોરિયા અને તાઈવાનની બજારમાં જોવા મળેલી એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) પ્રેરિત રેલીમાં રોકાણ કર્યું છે. નોંધનીય બાબત એ છે કે ભારતમાં એઆઈની કામગીરી અન્ય દેશોની સરખામણીમાં નબળી હોવાનું જોવાઈ રહ્યું હોવાથી શક્ય છે કે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ તેના વ્યૂહમાં ફેરફાર કર્યો હોય, એમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો: એફપીઆઈના ત્રણ મહિનાના બાહ્ય પ્રવાહને બે્રક, ઑક્ટોબરમાં રૂ. 6480 કરોડનો આંતરપ્રવાહ

જોકે, તાજેતરમાં એઆઈ આધારીત શૅરોના વેલ્યૂએશન્સ ઊંચા હોવાથી વૈશ્વિક સ્તરે ટૅક્નોલૉજી સ્ટોકમાં તેજીનો પરપોટો ફૂટવાનું જોખમ પણ વધ્યું છે અને જો વેચવાલીનું દબાણ વધતાં પરપોટો ફૂટે તેવા સંજોગોમાં ભારતીય બજાર પર તેની પ્રમાણમાં ઓછી અસર જોવા મળે તેમ જ ભારતની આર્થિક વૃદ્ધિને ધ્યાનમાં લેતા વિદેશી રોકાણકારો પાછા પણ ફરી શકે, એમ વિજયકુમારે ઉમેર્યું હતું.

વધુમાં વિજયકુમારની વાતને સમર્થન આપતા એન્જલ વનનાં ફંડામેન્ટલ એનાલિસ્ટ વકારજાવેદ ખાને જણાવ્યું હતું કે નવેમ્બરના પહેલા સપ્તાહમાં ખાસ કરીને ટેક્નોલૉજિકલ સ્ટોકમાં રોકાણકારોની આક્રમક વેચવાલીને કારણે બજારો તૂટતા સ્થાનિક સ્તરે પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 12,569 કરોડની ચોખ્ખી વેચવાલી જોવા મળી છે. જોકે, ભારતીય કંપનીઓના ખાસ કરીને મિડકેપ કંપનીઓનાં બીજા ત્રિમાસિકગાળાના એકંદરે પરિણામો બજારની અપેક્ષા કરતાં સારાં આવ્યાં છે અને હાલના વૈશ્વિક નિરુત્સાહી વલણને ધ્યાનમાં લેતા વિદેશી રોકાણકારો સાવચેતીનો અભિગમ અપનાવે, પરંતુ વર્તમાન પરિણામોને ધ્યાનમાં લેતા પસંદગીના ક્ષેત્રના શૅરોમાં લેવાલી જોવા મળી શકે છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વર્ષ 2025માં અત્યાર સુધીમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ઈક્વિટીમાં રૂ. 1.5 લાખ કરોડની વેચવાલી રહી છે.
દરમિયાન અત્યાર સુધીમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનો જનરલ લિમિટ હેઠળ ડેબ્ટ માર્કેટમાં રૂ. 1458 કરોડનો બાહ્યપ્રવાહ રહ્યો છે, જ્યારે વૉલન્ટરી રિટેન્શન રૂટ મારફતે રૂ. 1416 કરોડની ખરીદી રહી હોવાનું ડિપોઝિટરીઝે જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button