
નવી દિલ્હી: ગત ઑગસ્ટ મહિનામાં શૅરોનાં ઊંચા વૅલ્યુએશન્સ અને બૅન્ક ઑફ જાપાને વ્યાજદરમાં વધારો કરતાં યેન કેરી ટ્રેડ અંતર્ગત થયેલા વેપારો સુલટાવાતા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ સાવચેતીનું વલણ અપનાવતા તેઓનો ભારતીય ઈક્વિટીમાં આંતરપ્રવાહ ઘટીને રૂ. ૭૩૨૦ કરોડનો રહ્યો હતો.
ઑગસ્ટ મહિનાનો આંતરપ્રવાહ અગાઉના જુલાઈ મહિનાના રૂ. ૩૨,૩૬૫ કરોડ અને જૂન મહિનાના રૂ. ૨૬,૫૬૫ કરોડનાં રોકાણ સામે ઓછો હોવાનું ડિપોઝીટરીઝની આંકડાકીય માહિતી પરથી જાણવા મળ્યું છે.
જોકે, સ્થાનિક સ્તરે રાજકીય સ્થિરતા, મજબૂત આર્થિક પરિબળો, વૈશ્ર્વિક સ્તરે થનારા વ્યાજદરમાં ફેરફારો, સ્ટોકના ભાવની સ્થિતિ, પસંદગીનાં ક્ષેત્રોમાં રોકાણ અને ડેબ્ટ માર્કેટની આકર્ષકતાને ધ્યાનમાં લેતા વર્તમાન સપ્ટેમ્બર મહિનામાં વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરવા ઈચ્છુક રહે તેવી શક્યતા વૉટરફિલ્ડ એડવાઈઝર્સના ડિરેક્ટર વિપુલ ભોવારે વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે યેન કેરી ટ્રેડના અનવાઈન્ડિંગની પણ અસર જોવા મળી છે.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત ઑગસ્ટ મહિનામાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનું ઈક્વિટીમાં ચોખ્ખું રોકાણ રૂ. ૭૩૨૦ કરોડનું રહ્યું હતું. રોકાણ ઓછું થવાનું મુખ્ય કારણ ખાસ કરીને નિફ્ટી નાણાકીય વર્ષ ૨૫૨૫નાં અંદાજિત અર્નિંગ કરતાં ૨૦ ગણી ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. આમ અગાઉના બે મહિનાની સરખામણીમાં શૅરોના ઊંચા વૅલ્યુએશન્સ હતા. આમ એકંદરે ફોરેન પોર્ટફોલિયોએ જે બજારોમાં નીચા વૅલ્યુએશન હતા તે બજારોને અગ્રતાક્રમ આપ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી. કે. વિજયકુમારે જણાવ્યું હતું.
અત્રે રસપ્રદ બાબત એ છે કે ઊંચા વૅલ્યુએશન્સને કારણે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ સેક્ધડરી માર્કેટમાં વેચાણ કરીને રોકાણ નીચા વૅલ્યુએશનવાળી પ્રાઈમરી માર્કેટમાં રોકાણ વિકેન્દ્રિત કર્યું હોવાથી ગત ઑગસ્ટ મહિનામાં તેઓનો ડેબ્ટ માર્કેટમાં રૂ. ૧૭,૯૬૦ કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો. એકંદરે વર્તમાન વર્ષ ૨૦૨૪માં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનું ઈક્વિટીમાં રોકાણ રૂ. ૪૨,૮૮૫ કરોડનાં સ્તરે અને ડેબ્ટ માર્કેટમાં રોકાણ રૂ. ૧.૦૮ લાખ કરોડની સપાટીએ રહ્યું હોવાનું આંકડાકીય માહિતી પરથી જાણવા મળ્યું છે.