વિદેશી હૂંડિયામણની અનામત વધુ 2.3 અબજ ડૉલર ઘટી

મુંબઈઃ ગત 26મી સટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશની વિદેશી હૂંડિયામણની અનામત વધુ 2.334 અબજ ડૉલર ઘટીને 700.236 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે પણ અનામત 39.6 કરોડ ડૉલરના ઘટાડા સાથે 702.57 અબજ ડૉલરના સ્તરે રહી હતી.
દરમિયાન સમીક્ષા હેઠળના સમયગાળામાં દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામતમાં બહોળો અથવા તો મુખ્ય હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામત 4.393 અબજ ડૉલરના ઘટાડા સાથે 581.757 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. નોંધનીય બાબત એ છે કે સપ્તાહ દરમિયાન ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવાં અન્ય મુખ્ય ચલણો સામે રૂપિયામાં સપ્તાહ દરમિયાન થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.
આ પણ વાંચો: વિદેશી હૂંડિયામણની અનામત 39.6 કરોડ ડૉલર ઘટી…
વધુમાં સપ્તાહ દરમિયાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ નવ કરોડ ડૉલર ઘટીને 18.789 અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત 8.9 કરોડ ડૉલર 4.673 અબજ ડૉલરના સ્તરે રહી હતી. જોકે, સપ્તાહ દરમિયાન માત્ર સોનાની અનામત 2.238 અબજ ડૉલર વધીને 95.017 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે યાદીમાં ઉમેર્યું હતું.