ચૂંટણી પરિણામો અંગે આશંકા વચ્ચે વિદેશી રોકાણકારોના ઉચાળા
મુંબઈ: વર્તમાન મે મહિનામાં ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) દ્વારા છેલ્લા એક વર્ષનો સૌથી મોટો આઉટફલોસ જેવા મળવાની ગણતરી મુકાઈ રહી છે. ચૂંટણીને લગતી અનિશ્ર્ચિતતા તથા ઊંચા મૂલ્યાંકનોને કારણે વિદેશી રોકાણકારો ચીન જેવી સસ્તી ઈક્વિટીસ તરફ વળી રહ્યા છે.
ભારતમાં હાલમાં ઊંચા મૂલ્યાંકને એફઆઈઆઈએ માલ વેચવાનો વ્યૂહ અપનાવ્યો છે. મેમાં અત્યારસુધીમાં વિદેશી રોકાણકારોની અંદાજે ૩.૫૦ અબજ ડોલરની નેટ વેચવાલી આવી છે. મેની સમાપ્તિ સુધીમાં એફઆઈઆઈનો આઉટફલોસ જૂન ૨૦૨૩ બાદ સૌથી મોટો જોવા મળવાની સંભાવના હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.
લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના મોરચાની કામગીરી અપેક્ષા પ્રમાણે જોવા નહીં મળે જેને પરિણામે મહત્વના આર્થિક સુધારા આગળ ધપી નહીં શકે એવું રોકાણકારો માની રહ્યા છે.
આ અનિશ્ર્ચિતતાને કારણે ભારતની ઊંચા વેલ્યુએશનની ઈક્વિટસમાંથી વિદેશી રોકાણકારો હાલમાં નીકળી રહ્યા છે અને ચીનમાં જ્યાં હાલમાં સસ્તા મૂલ્યાંકને માલ ઉપલબ્ધ બની રહ્યો છે તે તરફ નજર દોડાવી રહ્યા છે.
ભારત તથા ચીનની બજારોમાં વેલ્યુએશનનું અંતર એટલું મોટું છે જેને રોકાણકારો અવગણી શકે એમ નહીં હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ચીનમાં ટેકનોલોજી ક્ષેત્રની કંપનીના સ્ટોકસમાં રોકાણકારોનો ઈન્ફલોસ શરૂ થયાનું જોવા મળી રહ્યું છે.
ઊભરતી બજારોમાં ચીન તથા ભારત બે સૌથી મોટી બજારો હોવાથી ચીન તથા ભારત વચ્ચે વિદેશી રોકાણકારો રમ્યા કરે છે. ભારતમાં વેચવાલી કરી ચીનમાં ખરીદી કરે છે અને ચીનમાં માલ વેચી ભારતમાં ખરીદીનો વ્યૂહ ધરાવતા હોય છે એમ અન્ય એક વિશ્લેષકે જણાવ્યું હતું. ભારતીય ઈક્વિટીસમાં એફઆઈઆઈનું નેટ શોર્ટ સેલિંગ હાલમાં ૨૦૧૨ પછીની ઊંચી સપાટીએ છે.