વિદેશી હૂંડિયામણની અનામતમાં વધુ 8.478 અબજ ડૉલરનું ગાબડું
મુંબઈ: ગત 20મી ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામત વધુ 8.478 અબજ ડૉલરના ગાબડાં સાથે 644.91 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે અનામત 1.988 અબજ ડૉલરના ઘટાડા સાથે છ મહિનાની નીચી 652.869 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. છેલ્લાં કેટલાંક સમયથી આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને સ્થાનિક સ્તરે આયાતકારોની ડૉલરમાં પ્રબળ માગ રહેતાં ડૉલર સામે રૂપિયામાં સતત થઈ રહેલા ધોવાણને ખાળવા માટે સમયાંતરે રિઝર્વ બૅન્ક દ્વારા રૂપિયાની ચંચળતા અટકાવવા માટે બજારમાં હસ્તક્ષેપ થતો હોવાથી અનામતમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.
જોકે, ગત સપ્ટેમ્બરના અંતે દેશની વિદેશી હૂંડિયામણની અનામત 704.885 અબજ ડૉલરની વિક્રમ સપાટીએ રહી હતી. દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં અર્થાત્ ગત 20મી ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની કુલ અનામતોમાં મુખ્ય હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 6.014 અબજ ડૉલર ઘટીને 556.562 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં સપ્તાહ દરમિયાન ડૉલર સિવાયના યુરો, પાઉન્ડ અને યેન જેવાં અન્ય મુખ્ય ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.
Also read: વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 411નો અને ચાંદીમાં રૂ. 389નો ચમકારો
વધુમાં સપ્તાહ દરમિયાન દેશની સોનાની અનામત 2.33 અબજ ડૉલર ઘટીને 65.726 અબજ ડૉલરની સપાટીએ, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 11.2 કરોડ ડૉલર ઘટીને 17.885 અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત પણ 2.3 કરોડ ડૉલર ઘટીને 4.217 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે આંકડાકીય માહિતીમાં ઉમેર્યું હતું.