શૅરબજાર કોન્સોલિડેશન ફેઝમાં: પીએમઆઇ, બૅન્ક ઑફ ઇંગ્લેન્ડની બેઠક અને એફઆઇઆઇના વલણ પર બજારની નજર
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા
ભારતીય શેરબજારે ગયા અઠવાડિયે સહેજ મંદીપ્રેરક માહોલ સાથે નવા ટ્રીગરનો અભાવ હોવા છતાં થોડો સુધારો દર્શાવ્યો હતો. સેન્ટિમેન્ટમાં એવો સુધારો હતો કે ફરી એકવાર મિડ અને સ્મોલ-કેપ શેરોએ આઉટપરફોર્મ કર્યું હતું. ભારતના પીએમઆઇ, બેન્ક ઓફ ઇંગ્લેન્ડની બેઠક અને એફઆઇઆઇના વલણ પર નજર સાથે બજાર ફરી કોન્સોલિડેશન તરફ આગળ વધી રહ્યું હોય એવું લાગે છે. દરમિયાન, બકરી ઈદ નિમિત્તેે ૧૬ જૂને બજાર બંધ રહેશે.
સમીક્ષા હેઠળના પાછલા સપ્તાહને અંતે સેન્સેક્સે ૭૬,૯૯૨.૭૭ પોઇન્ટની નવી બંધ ટોચ અને ૭૭,૦૮૧.૩૦ની નવી ઇન્ટ્રા-ડે હાઇ સપાટી, જ્યારે નિફ્ટીએ ૨૩,૪૬૫.૬૦ પોઇન્ટની વિક્રમી ઊંચી અને ૨૩,૪૯૦.૪૦ પોઇન્ટની તાજી ઈન્ટ્રા-ડે સપાટી નોંધાવી હતી. આઇટી અને એફએમસીજી સેક્ટરોએ ગયા અઠવાડિયે મજબૂત વળતર બાદ વેચવાલીના દબાણનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે અન્ય ક્ષેત્રોમાં ઉત્સાહ જળવાયો હતો.
આગળ જતાં, ભારત, ચીન અને યુરોઝોનના ઔદ્યોગિક ઉત્પાદન અને ફુગાવાના ડેટા પર રોકાણકારો ધ્યાન કેન્દ્રિત કરશે, જે વૈશ્ર્વિક આર્થિક વલણોની દૃષ્ટિએ નિર્ણાયક છે. સ્થાનિક ધોરણે ૨૧મી જૂને એચએસબીસી પીએમઆઇ મેન્યુફેકચરીંગ, કમ્પોઝિટ અને સર્વિસ ડેટા જાહેર થશે.
બેન્ક ઓફ ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નોર્વે, અને બ્રાઝિલ સહિતની વિશ્ર્વભરની સેન્ટ્રલ બેંકો વૈશ્ર્વિક વ્યાજ દર ઘટાડવાના વલણમાં જોડાવા અંગે સાવચેતીનુ માનસ ધરાવે છે. આ અઠવાડિયે, યુકે અને ઑસ્ટ્રેલિયા સહિત અર્થતંત્રો તરફથી મુખ્ય નિર્ણયો અપેક્ષિત છે. આ મધ્યસ્થ બેંકો ડિસફ્લેશન અંગે ચાલી રહેલી ચિંતાઓને કારણે ખચકાટ સૂચવે તેવી શક્યતા છે.
વીઆઇએક્સ ઇન્ડેક્સમાં સતત બીજા સપ્તાહે ઘટાડો થવાના કારણે તેજીવાળાઓએ રાહત અનુભવી છે. નિષ્ણાતો માને છે કે, જો વોલેટિલિટી આ સ્તરની આસપાસ રહે અથવા તેમં ઘટાડો થાય તો તેજીવાળા ફરી બજાર પર પકકડ જમાવવાની દિશામાં આગળ વધી શકે છે. આવતા અઠવાડિયે વિદેશી રોકાણકારોની ગતિવિધિ પર બારીકાઈથી નજર રાખવામાં આવશે. મે મહિનાની શરૂઆતથી ચોખ્ખા વેચાણકર્તાઓ બન્યા પછી વિદેશી રોકાણકારોએ થોડા સમય માટે નેટ બાયર્સ પમ બન્યાં હતાં.
આ વર્ગે પાછલાં પાંચ સત્રોમાં ભારતીય ઇક્વિટીમાં રૂ. ૧૦,૦૦૦ કરોડથી વધુની લેવાલી નોંધાવી છે. જોકે, લાર્જ કેપ સ્પેસમાં ઊંચા મૂલ્યાંકન અને નબળી કામગીરી અંગેની ચિંતાને ટાંકીને નિષ્ણાતોએ એવી ચેતવણી આપી છે કે, ટૂંકા ગાળા દરમિયાનની લેવાલી, વલણમાં પરિવર્તનનો સંકેત નથી. મે મહિનામાં, એફઆઇઆઇએ અંદાજે ત્રણ અબજ ડોલરના મૂલ્યના સ્ટોકનું વેચાણ કર્યું અને જૂનમાં અત્યાર સુધીમાં લગભગ ૬૨૪ મિલિયન ડોલરનું વેચાણ થયું છે.
તાજેતરના ચૂંટણી પરિણામો દરમિયાન, વિદેશી રોકાણકારોએ નોંધપાત્ર શોર્ટ પોઝિશન્સ ઊભી કરી હતી, જે બજારમાં સાવચેતીનો સંકેત આપે છે.
આગળ જોતાં, જુલાઈના બજેટ સુધી, ખાસ કરીને અણધાર્યા ચૂંટણી પરિણામો પછી સતત ગભરાટ જોવા મળી શકે છે. વિદેશી રોકાણકારો નોંધપાત્ર નવા રોકાણો માટે પ્રતિબદ્ધતા પહેલા નીતિની સાતત્યતા અંગે સ્પષ્ટતા માંગે તેવી શક્યતા છે.
સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ મજબૂત નાણાપ્રવાહ જાળવી રાખ્યો હતો, ગયા અઠવાડિયે આશરે રૂ. ૬,૦૦૦ કરોડની ખરીદી કરી હતી અને આ વર્ષે અત્યાર સુધીમાં કુલ રૂ. ૨.૧૭ લાખ કરોડની ખરીદી કરી હતી. નિષ્ણાતો માને છે કે જો બજાર ઘટશે તો ડીઆઇઆઇ અને રીટેલ ઇઈન્વેસ્ટર્સ ઘટાડે લેવાલીની વ્યૂહરચના અપનાવશે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં સતત પ્રવાહ, ખાસ કરીને એસઆઇપી દ્વારા, રિટેલ રોકાણકારોની ઘટાડે લેવાલીની તૈયારી સાથે, બજારની સ્થિતિસ્થાપકતા જાળવશે.
મૂડીબજારમાં હલચલ ચાલુ રહી છે. રૂ. ૧,૦૮૭ કરોડના ત્રણ મેઇનબોર્ડ આઇપીઓ અને રૂ. ૧૫૪ કરોડના છ એસએમઇ આઇપીઓ આ સપ્તાહે લોન્ચ થશે. ડીઇઇ ડેવલપમેન્ટ આઇપીઓ, જેનું મૂલ્ય રૂ. ૪૧૮ કરોડ છે, તે ૧૯ જૂનથી ૨૧ જૂન સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લુું રહેશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૩૨૫ કરોડના તાજા ઇશ્યૂ કદ સાથે અને વેચાણ માટેની ઓફર સાથે રૂ. ૧૯૩-૨૦૩ પ્રતિ શેર સેટ છે. (ઓએફએસ)નું કદ રૂ. ૯૩ કરોડ. એકમે ફિનટ્રેન્ડનો આઇપીઓ રૂ. ૧૨૧ કરોડનો છે. અને છેલ્લે, રૂ. ૩૬૯ કરોડનો સ્ટેનલી લાઇફસ્ટાઇલ આઇપીઓ ૨૧ જૂને ખુલશે અને ૨૫ જૂને બંધ થશે.
એસએમઇ આઇપીઓમાં, ફાલ્કન ટેક્નોપ્રોજેક્ટ્સ ઇન્ડિયા, ડુરલેક્સ ટોપ સરફેસ, અને જેમ એન્વિરો મેનેજમેન્ટ ૧૯ જૂને ખુલશે અને ૨૧ જૂને બંધ થશે. વિની ઇમિગ્રેશન એન્ડ એજ્યુકેશન, અને ડિંડીગુલ ફાર્મ પ્રોડક્ટ્સ ૨૦ જૂને ખુલશે અને ૨૪ જૂને બંધ થશે. મેડિકમેન ઓર્ગેનિક્સ ૨૧ જૂને ખુલશે અને ૨૫ જૂને બંધ થશે.
ટેક્નિકલ ધોરણે નિફ્ટી હાલ રાઇઝિંગ ચેનલના ઉપલા છેડાની ઉપર અને તમામ કી મૂવિંગ એવરેજથી પણ ઉપર ટ્રેડ કરે છે. ઇન્ડેક્સ તેના ૨૩,૫૦૦ના નિર્ણાયક પ્રતિકાર સ્તરની નજીક છે અને જો ઉપરોક્ત સ્તર તૂટી જાય તો ૨૩,૮૦૦ અને ૨૪,૦૦૦ તરફ કૂચ થવાની સંભાવના છે.
આગામી સત્રોમાં, ૨૩,૦૦૦ પર નિર્ણાયક સપોર્ટ રહેશે, પરંતુ જો તે ૨૩,૫૦૦થી ઉપર જવા અને ટકવામાંં નિષ્ફળ જાય તો કોન્સોલિડેશનની અપેક્ષા છે. સાપ્તાહિક ઓપ્શન્સ ડેટા દર્શાવે છે કે નિફ્ટીને ૨૩,૫૦૦ પર તાત્કાલિક પ્રતિકારનો સામનો કરવો પડી શકે છે, ૨૩,૩૦૦ પર તાત્કાલિક સપોર્ટ અને ૨૩,૦૦૦ પર નિર્ણાયક સપોર્ટ સાથે.
સ્થાનિક ધોરણે સારા માઇકો ડેટાને કારણે બજારના સેન્ટિમેન્ટને ટેકો મળ્યો છે. મે ૨૦૨૪માં ભારતની મર્ચેન્ડાઇઝ નિકાસ નવ ટકા વધીને ૩૮.૧૩ બિલિયન ડોલરના સ્તરે પહોંચી છે, જે એક વર્ષ અગાઉના મહિનામાં ૩૪.૯૫ બિલિયન ડોલરના સ્તરે હતી, એમ શુક્રવારે જાહેર કરાયેલા સરકારી સત્તાવાર આંકડાકીય માહિતીમાં જણાવાયું છે. એ જ રીતે, આયાત પણ ૭.૭ ટકા વધીને ૬૧.૯૧ અબજ ડોલર નોંધાઇ છે, જે મે ૨૦૨૩માં ૫૭.૪૮ બિલિયન ડોલરના સ્તરે હતી.
એ જ રીતે, ઇન્ફ્લેશન રેટમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે રિઝર્વ બેન્ક વ્યાજદરમાં ઘટાડો કરશે એવી આશા વચ્ચે લેવાલીનો ટેકો મળ્યો હોવાથી ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીએ ગુરુવારે નવી વિક્રમી સપાટી હાંસલ કરી હતી. સરકારે જાહેર કરેલા સત્તાવાર ડેટા અનુસાર ફૂડ બાસ્કેટમાં કિંમતોમાં નજીવા ઘટાડાને કારણે રિટેલ ઇન્ફલેશન મે મહિનામાં ૪.૭૫ ટકાની એક વર્ષની નીચી સપાટીએ અને રિઝર્વ બેન્કના છ ટકાથી નીચેના કમ્ફર્ટ ઝોનમાં પહોંચી ગયું હતું.
ફેડરલ રિઝર્વના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે તાજેતરના મહિનાઓમાં ફુગાવો તેમના લક્ષ્ય સ્તર તરફ વધુ ઘટ્યો છે પરંતુ સંકેત આપ્યો છે કે તેઓ આ વર્ષે માત્ર એક જ વાર તેમના બેન્ચમાર્ક વ્યાજ દરમાં ઘટાડો કરવાની અપેક્ષા રાખે છે.
દરમિયાન, જાણીતા એનાલિસ્ટ જેફ્રીએ એવી આગાહી કરી છે કે જો સરકાર ટકી રહેશે તો પાંચ વર્ષ પહેલા એક લાખનો આંક બતાવશે, જ્યારે વૈશ્ર્વિક દૃષ્ટિકોણ સાથે અમેરિકાના ટોચના ઇકોનોમિસ્ટ હેરી ડેન્ટે ચેતવણી આપી છે કે ૧૯૨૫થી ૧૯૨૯ વચ્ચે આવી હતી, એના જેવી ભયંકર મંદી વિશ્ર્વના શેરબજારોમાં જોવા મળી શકે એમ છે. તેજીના પરપોટા ગમે ત્યારે ફૂટી શકે એમ છે. હેરી ડેન્ટે કહ્યું હતું કે મોટાભાગના બબલ પાંચથી છ વર્ષમાં ફૂટી જાય છે, પણ હાલમાં જે બબલ છે એ પાછલાં ૧૪ વર્ષથી ચાલી રહ્યા છે. આમ ૨૦૦૮-’૦૯માં આવેલા ક્રેશ કરતાં પણ મોટા ક્રેશનો ખતરો તોળાઇ રહ્યો છે. આ પરપોટો ફૂટશે ત્યારે શેરબજારો તળિયે જશે.