વેપાર

યુએસ, ઇંગ્લેન્ડ અને જાપાન પર નજર સાથે નિફટી 25,000 તરફ કૂચ કરે એવી સંભાવના

ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા

મુંબઈ: બજાર હાલ તેજી પર સવાર છે અને અંદાજપત્રના ઝટકાને પણ પચાવી લીધું હોય એવી ચાલ બતાવી રહ્યું છે. યુએસ, ઇંગ્લેન્ડ અને જાપાન પર નજર સાથે પોઝિટવિ ટોન સાથે કોન્સોલિડેશન મોડમાં રહી શકે છે. ટેક્નિકલ સંકેતો અનુસાર નિફ્ટીએ સ્ટ્રોંગ બુલીશ કેન્ડલની રચના કરી છે જે તેને 25,000 સુધી અને ત્યારબાદ 25,100 સુધી દોરી શકે છે.
આ સપ્તાહમાં આગળ વધતાં, બજાર અમેરિકાની એફઓએમસી, બેન્ક ઓફ ઈંગ્લેન્ડ તથા બેન્ક ઓફ જાપાનની બેઠક, સ્થાનિક ધોરણે માસિક ઓટો સેલ્સ ડેટા અને કોર્પોરેટ કમાણીના આગામી સેટમાંથી સંકેતો મેળવશે. ફેડરલ રિઝર્વ પહેલી જુલાઇની બેઠકમાં રેટ કટની જાહેરાત કરે એવી અપેક્ષા નથી, પરંતુ ચેરમેન પોવેલ સપ્ટેમ્બરમાં રેટકટ અંગે કોઇ અણસાર આપે છે કે નહીં તેના પર રોકાણકારોની નજર છે.

બજારે બજેટના દિવસથી નોંધાયેલી તમામ નુકસાનની એક જ ઝાટકે છેલ્લા સત્રમાં ભરપાઈ કરીને ઓગસ્ટ સિરીઝની તંદુરસ્ત ટોન સાથે શરૂઆત કરી છે. રિકવરી સકારાત્મક ગ્લોબલ સંકેતો દ્વારા પ્રેરિત હતી, જેમાં અપેક્ષા કરતાં વધુ સારા યુએસ જીડીપી ડેટાનો સમાવેશ થાય છે. ઉપરાંત બેંકિગ અને નાણાકીય સેવાઓ અને રિયલ્ટી સિવાયના મોટાભાગના ક્ષેત્રોમાં લેવાલી સાથે નીચા મથાળે વેલ્યુ બાઇંગને લગતી હતી. જોકે લાંબા ગાળાના મૂડી લાભો અને ટૂંકા ગાળાના મૂડી લાભો તથા સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સનો વધારો હજુ ખટકી રહ્યો છે.

સતત આઠમા સપ્તાહમાં અપટે્રન્ડ ચાલુ રાખતા સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન નિફ્ટી ઇન્ડેક્સ 304 પોઈન્ટ અથવા 1.24 ટકા વધીને 24,835 સુધી પહોંચ્યો હતો, જ્યારે સેન્સેક્સ 728 પોઈન્ટ અથવા 0.9 ટકા વધીને 81,333ની સપાટીએ સ્થિર થયો છે. નિફ્ટી મિડકેપ 100 અને સ્મોલકેપ 100 બેન્ચમાર્ક શેરઆંકોએ અનુક્રમે 3.3 ટકા અને 2.5 ટકા વધીને મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સને પાછળ રાખી દીધા છે.

બજારના સાધનો માને છે કે સ્થાનિક બજારની દિશા સંભવત: કોર્પોરેટ ક્ષેત્રની કમાણીની સિઝનની પ્રગતિથી પ્રભાવિત થશે. વધુમાં, યુએસ ફેડરલના ચેરમેનની સ્પીચ અને યુએસ રોજગાર ડેટા તથા યુરોઝોન જીડીપીના ડેટા સહિત વૈશ્વિક આર્થિક અપડેટ્સ પણ બજારને અસર કરશે તેવી અપેક્ષા છે.
શેરબજારમાં સપ્તાહના અંતિમ સત્રમાં ભારે તોફાની તેજીનો માહોલ જોવા મળ્યો હતો, સેન્સેક્સમાં 1,293 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે, જ્યારે નિફ્ટી રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. સેન્સેક્સ 1,292.92 પોઈન્ટ અથવા 1.62 ટકાના ઉછાળા સાથે 81,332.72 પોઇન્ટ પર અને નિફ્ટી 428.75 પોઈન્ટ અથવા 1.76 ટકા વધીને 24,834.85ની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સ ગુરુવારના 80,039.80ના બંધથી 1292.92 પોઈન્ટ્સ (1.62 ટકા) વધ્યો હતો. માર્કેટ કેપ રૂ.7.1 લાખ કરોડ વધીને રૂ.456.92 લાખ કરોડ રહ્યું હતું.

બજારના સધનો અનુસાર અન્ય પરિબળો ઉપરાંત બેન્ચમાર્કની એકધારી તેજી માટે સૌથી મહત્વની પ્રેરક બાબત બજારની ભરપૂર પ્રવાહિતા છે. બજેટની નારાજગી વચ્ચે પણ આ કારણસર તેજી જામી છે. પાછલા સત્રના ઉછાળાના દેખીતા કારણોમાં નીચા ભાવે વેલ્યુ બાઇંગ અને ઇન્ફોસિસ, ટાટા ક્નસલ્ટન્સી સર્વિસિસ અને રિલાયન્સ જેવા ઇન્ડેક્સ હેવિવેટ બ્લુચિપ શેરોમાં નીકળેલી લેવાલી અને સુધારો છે. અ સપ્તાહે 490 કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામ જાહેર કરી રહી છે.

પ્રાઇમરી માર્કેટમાં પણ સારી હલચલ રહી હતી અને આ સપ્તાહે આઠ આઇપીઓ આવી રહ્યાં છે. કોર્પોરેટ હલચલમાં બજેટમાં સોનાની આયાત જકાતમાં નોંધપાત્ર ઘટાડાથી એક તરફ જવેલર્સ રાજી થયા છે એવા સમયે વીએમ મુસ્લુંકર એન્ડ સન્સે વિસ્તરણ યોજના હેઠળ અરહા બ્રાન્ડ સાથે મુંબઇ ખાતે એક ડાયમંડ બૂટિક શરૂ કર્યું છે, જે પારંપારિક અને આધુનિક કલા સંયોજન સાથેના આભૂષણો ઓફર કરશે. કંપની વિસ્તરણ યોજના વિચારી રહી છે. એએસએલ કેપિટલ હોલ્ડિંગ્સે એક્સચેન્જને જાણ કરી છે કે તેણે મેમ્બરશિપ સરેન્ડર કરી છે.

ટોચના વિશ્લેષક અનુસાર ભારતમાં ચાલી રહેલા બુલ માર્કેટની વિશિષ્ટ વિશેષતા એ છે કે તે તમામ અવરોધો પાર કરી જવાની તેની ક્ષમતા ધરાવે છે. ભારતીય શેરબજારે ચૂંટણી, બજેટ અને મધર માર્કેટ અમેરિકન શેરબજારોનું કરેક્શન સંબંધિત તમામ ચિંતાઓને ફગાવી દીધી છે.
રોકાણકારોએ બાય ઓન ડીપ્સ વ્યૂહરચના જ અપનાવી લીધી હોય એવું લાગે છે. જો કે, બજારના વિશ્લેષકો વારંવાર ચેતવણી આપી રહ્યા છે કે, વેલ્યુએશનની વિસંગતતા હજુ ચાલુ છે અને વધતી જાય છે. રોકાણકારોએ ખૂબ સાવધાની રાખવી અનિવાર્ય છે. માર્કેટ રેગ્યુલર સેબી પણ એ જ કહે છે.

લાર્જકેપ્સના વેલ્યુએશન ખૂબ ઊંચા છે અને લાંબાગાળાના રોકાણકારો તેમાં રોકાણ કરી રહ્યા છે. જોકે આ વિસંગતતાનો લાભ ઉઠાવીને વિદેશી ફંડો ફરીથી વેચવાલી કરતા બની ગયા છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની જંગી ખરીદી દ્વારા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સના સેલિંગ મેળ ખાતી હોવા છતાં આગળ જતાં લાર્જકેપ્સ પર વધુ દબાણ લાવી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button