વર્ષ 2023-24ઃ દેશમાં ફર્ટિલાઈઝર્સના ઉત્પાદનમાં આટલા ટકાનો વધારો
![Aerial view of fertilizer factory with trucks transporting goods in rural area.](/wp-content/uploads/2025/02/fertilizer-production-increase-country.jpg)
નવી દિલ્હી: ગત નાણાકીય વર્ષ 2023-24માં દેશમાં ફર્ટિલાઈઝરનું કુલ ઉત્પાદન વર્ષાનુવર્ષ ધોરણે ચાર ટકા વધીને 503.35 લાખ ટનની સપાટીએ રહ્યું હતું. આજે લોકસભામાં એક પ્રશ્નનો લેખિતમાં ઉત્તર આપતાં રાજ્યકક્ષાના રસાયણ અને ખાતર ખાતાના પ્રધાન અનુપ્રિયા પટેલે વર્ષ 2019-20થી 2023-24 સુધીની ફર્ટિલાઈઝરનાં ઉત્પાદનની આંકડાકીય માહિતી આપી હતી. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વર્ષ 2019-20માં 425.95 લાખ ટન, વર્ષ 2020-21માં 433.68 લાખ ટન, વર્ષ 2021-22માં 435.95 લાખ ટન, વર્ષ 2022-23માં 485.29 લાખ ટન અને વર્ષ 2023-24માં 503.35 લાખ ટન ફર્ટિલાઈઝરનું ઉત્પાદન થયું હતું.
વધુમાં ફર્ટિલાઈઝર પરની સબસિડીની રકમ વર્ષ 2019-20માં રૂ. 83,466.51 કરોડ, વર્ષ 2020-21માં રૂ. 1,31,229.51 કરોડ, વર્ષ 2021-22માં રૂ. 1,57,640.08 કરોડ, વર્ષ 2022-23માં રૂ. 2,54,798.88 કરોડ અને વર્ષ 2023-24માં રૂ. 1,95,420.51 કરોડની સપાટીએ રહી હોવાનું તેમ જ સબસિડીની સમગ્ર સ્કીમ ખેડૂતોને સમયસર અને પોસાણક્ષમ ભાવથી ખાતરની ઉપલબ્ધિ થાય તેવી રીતે કેન્દ્રિત કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં અન્ય એક પ્રશ્ર્નનો ઉત્તર આપતા તેમણે જણાવ્યું હતું કે ગત નાણાકીય વર્ષ 2023-24માં દેશમાં ડાઈ એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી)ની 110.18 લાખ ટનની આવશ્યકતા સામે સ્થાનિકમાં ઉત્પાદન 42.96 લાખ ટનનું રહ્યું હતું. આમ માગ અને પુરવઠા વચ્ચેનો ખાંચરો આયાતથી સરભર કરવા આયાત કરવી પડી હતી તેમ જ સ્થાનિકમાં રહેલા સ્ટોકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં દેશમાં ડીએપીનું ઉત્પાદન 31.5 લાખ ટનનું થયું છે અને વર્ષ દરમિયાન 40.15 લાખ ટન ઉત્પાદન થવાની ધારણા મુકવામાં આવી રહી છે.
Also read: બોલો, આઠ મહિના પછી આખરે એ ‘કબૂતર’ને મળી મુક્તિ, જાણો મામલો શું છે?
વધુમાં ફોસ્ફેટિક અને પોટાસિક (પી ઍન્ડ કે) ફર્ટિલાઈઝર અંગે તેમણે જણાવ્યું હતું કે સરકારે ગત એપ્રિલ,2010થી ન્યુટ્રિયન્ટ બેઝ્ડ સબસિડી પૉલિસી ( પોષણ આધારિત સબસિડી પૉલિસી)નો અમલ શરૂ કર્યો છે. આ પૉલિસી હેઠળ પી ઍન્ડ કેમાં રહેલા પોષકત્વનાં આધારે વાર્ષિક-અર્ધવાર્ષિક ધોરણે ચોક્કસ રકમની સબસિડી નિર્ધારિત કરવામાં આવી છે.