સપ્ટેમ્બરમાં ફેડરલ દ્વારા રેટ કટની શક્યતા ઉજળી: સપ્તાહના અંતે વૈશ્ર્વિક સોનું ૨૫૦૦ ડૉલરની લગોલગની ઊંચી સપાટીએ
કોમોડિટી -રમેશ ગોહિલ
અમેરિકાના તાજેતરનાં આર્થિક આંકડાઓને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૧૭-૧૮ સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા ઉજળી બનવાની સાથે મધ્ય પૂર્વનાં દેશોમાં તણાવ વધવાની ભીતિ તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં સપ્તાહના અંતે ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૫૦૦ ડૉલરની સપાટીની લગોલગ વિક્રમ સપાટીએ બંધ રહ્યા હતા. તેમ જ વાયદામાં પણ ભાવ ઉછળી આવ્યા હતા. એકંદરે ગત સપ્તાહે સ્થાનિક ઝવેરી બજારમાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સોનાના ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર સ્થાનિકમાં ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ૧૦ ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત નવમી ઑગસ્ટનાં રૂ. ૬૯,૬૬૩ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. ૬૯,૭૨૯ની સપાટીએ ખૂલ્યા હતા. તેમ જ સપ્તાહ દરમિયાન નીચામાં ખૂલતી જ રૂ. ૬૯,૭૨૯ની સપાટી અને ઊપરમાં રૂ. ૭૦,૭૯૩ની રેન્જમાં અથડાઈને અંતે રૂ. ૭૦,૬૦૪ના મથાળે રહ્યા હતા. આમ સપ્તાહ દરમિયાન ભાવમાં ૧.૩૫ ટકાનો અથવા તો ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૪૧નો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, ગત સપ્તાહે ૧૫મી ઑગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિનની જાહેર રજા હોવાથી કામકાજનાં માત્ર ચાર સત્ર જ રહ્યા હતા. ગત જુલાઈ મહિનામાં નાણાં પ્રધાને રજૂ કરેલા અંદાજપત્રમાં સોના પરની ડ્યૂટી જે અગાઉ ૧૫ ટકા હતી તે ઘટાડીને છ ટકા કરી હોવાથી ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો હતો અને રિટેલ સ્તરની માગમાં ચહેલપહેલ જોવા મળી, પરંતુ ત્યાર બાદ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં પુન: આગેકૂચ જોવા મળતા પુન: રિટેલ સ્તરની માગ ઓસરતી જોવા મળી હોવાનું ટ્રેડરોએ જણાવતા ઉમેર્યું હતું કે આગામી તહેવારોની મોસમમાં માગ ખૂલવાનો બજાર વર્તુળો આશાવાદ સેવી રહ્યા હોવાથી છૂટીછવાઈ જ્વેલરી ઉત્પાદકોની માગ જોવા મળી રહી છે. ગત સપ્તાહે અમેરિકા ખાતે જુલાઈ મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનમાં જોવા મળેલો ૦.૬ ટકાનો ઘટાડો, રિટેલ વેચાણમાં વધારો, જુલાઈ મહિનાનો ફુગાવો સાડાત્રણ વર્ષના લાંબા સમયગાળા બાદ ત્રણ ટકાની નીચે ૨.૯ ટકાના સ્તરે રહ્યો હોવાના પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત બેરોજગારી ભથ્થુ મેળવવા માટેની અરજી કરનારાઓની સંખ્યામાં ઘટાડો થવાથી એક તરફ અમેરિકામાં આર્થિક મંદી તોળાઈ રહી હોવાની ભીતિ દૂર થવાની સાથે સાથે ફુગાવો પણ ત્રણ ટકાથી નીચે ઊતર્યો હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ પ્રબળ બન્યો હોવાથી વૈશ્ર્વિક સોનામાં તેજીનો પવન ફૂંકાયો હતો. વધુમાં મધ્યપૂર્વનાં દેશોમાં ખાસ કરીને ઈરાન-ઈઝરાયલ વચ્ચે રાજકીય-ભૌગોલિક તણાવમાં વધારો થવાથી સોનામાં સલામતી માટેની માગ ખૂલતાં તેજીને વધુ ઈંધણ મળ્યું હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સનાં વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે આ તમામ પ્રોત્સાહક પરિબળોને ધ્યાનમાં લેતા હવે બજાર વર્તુળોમાં ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા જોઈ રહ્યા છે.
એકંદરે અમેરિકન અર્થતંત્રમાં મજબૂત આંતરપ્રવાહ જણાઈ રહ્યો હોવાથી આર્થિક મંદીની ચિંતા દૂર થઈ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બની છે. જોકે, હવે રોકાણકારોની નજર આગામી ૧૭-૧૮ સપ્ટેમ્બરનાં રોજ યોજાનારી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કેટલી માત્રામાં કાપ મૂકવાની જાહેરાત કરે છે તેના પર સ્થિર થઈ હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૨૫૨૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૯,૦૦૦થી ૭૨,૦૦૦ની રેન્જમાં રહે તેમ જણાય છે.
દરમિયાન ગત સપ્તાહના અંતે શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ અને મધ્ય પૂર્વનાં દેશોનાં તણાવને કારણે નીકળેલી સલામતી માટેની માગને ટેકે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૧.૭ ટકાના ઉછાળા સાથે ઔંસદીઠ ૨૪૯૮.૭૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ આગલા બંધ સામે ૧.૮ ટકા ઉછળીને ૨૫૩૭.૮૦ ડૉલરના મથાળે બંધ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે ડૉલર ઈન્ડેક્સમાં સાપ્તાહિક ધોરણે ૦.૪ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે સોનાના ભાવ સાપ્તાહિક ધોરણે ૨.૮ ટકા વધી આવ્યા હતા. સતત બે સપ્તાહ સુધી વૈશ્ર્વિક સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા બાદ સપ્તાહના અંતે હાજરમાં સત્ર દરમિયાન એક તબક્કે ભાવ ઔંસદીઠ ૨૫૦૦ ડૉલરની વિક્રમ સપાટી કુદાવવામાં તેજીના ખેલાડીઓ સફળ રહ્યા હોવાનું ન્યૂ યોર્ક સ્થિત એક ટ્રેડર તાઈ વૉન્ગે જણાવ્યું હતું. જોકે, હવે રોકાણકારોની નજર આગામી શુક્રવારના વ્યોમિંગ ખાતેના જેક્શન હૉલમાં અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં કાન્સાસ સિટી ફેડનાં વાર્ષિક આર્થિક સિમ્પોસિયમનાં વક્તવ્યમાં ખાસ કરીને વ્યાજદરમાં કપાત અંગે કોઈ દિશાનિર્દેશ આપે છે કે નહીં તેના પર સ્થિર થઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું. આમ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની ઉજળી બનતી શક્યતા, ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં નરમાઈ જેવાં કારણો ઉપરાંત ઈરાન-ઈઝરાયલ તથા રશિયા-યુક્રેન વચ્ચેના રાજકીય-ભૌગોલિક તણાવને ધ્યાનમાં લેતા સલામતી માટેની માગને ટેકે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનામાં મક્કમ ધોરણે સુધારો આગળ ધપે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.