ફેડરલના અપેક્ષિત રેટ કટ સાથે સોનામાં વણથંભી તેજી, તહેવારો પૂર્વે ભાવમાં ઘટાડાના અણસાર ન મળતાં સ્થાનિકમાં પ્રીમિયમ 10 મહિનાની ટોચે…

અમેરિકી ફેડરલ રિઝર્વે ગત 16-17 સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકના અંતે ખાસ કરીને શ્રમ બજાર અથવા તો રોજગાર ક્ષેત્રની કથળી રહેલી હાલતને ધ્યાનમાં લેતા બજારની અપેક્ષાનુસાર વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂક્યો હતો. તેમ જ શેષ વર્ષ 2025માં બે વખત વ્યાજ દરમાં કાપ મૂકવાના સંકેત પણ આપ્યા હતા.
જોકે, તેની સાથે સાથે અમેરિકી ઊંચા ટૅરિફને પગલે ફુગાવામાં વધારાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હોવાથી ડૉલર ઈન્ડેક્સની નરમાઈના ટેકે રોકાણકારોની સોનામાં લેવાલી જળવાઈ રહેતાં સપ્તાહ દરમિયાન થોડીઘણી નફારૂપી વેચવાલીને બાદ કરતાં એકંદરે વણથંભી તેજી જળવાઈ રહી હતી.
આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને ડૉલર સામે રૂપિયાની વધઘટ અનુસાર સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ વીતેલા સપ્તાહ સોનામાં નફારૂપી વેચવાલી આંચકાઓ સાથે સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે 10 ગ્રામદીઠ રૂ. 68નો સુધારો નોંધાયો હતો. જોકે, સપ્તાહ દરમિયાન ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1605ની વધઘટ જોવા મળી હતી, જેમાં રૂ. 1162ના સુધારા અને રૂ. 443ના ઘટાડાનો સમાવેશ થાય છે.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે વેરારહિત ધોરણે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 12મી સપ્ટેમ્બરનાં રૂ. 1,09,707 સામે સાધારણ નરમાઈ સાથે રૂ. 1,09,603ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,09,264 અને ઉપરમાં રૂ. 1,10,869ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. 68ના સાધારણ સુધારા સાથે રૂ. 1,09,775ના મથાળે બંધ રહ્યા હતા.
એકંદરે આ મહિનાના અંતથી નવરાત્રીનાં તહેવારો શરૂ થઈ રહ્યા છે અને ત્યાર બાદ ઑક્ટોબર મહિનામાં દશેરા, ધનતેરસ અને દિવાળી જેવાં સપરમાં તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે અને તહેવારોને ટાંકણે ભાવ નીચા આવે તેવી કોઈ શક્યતા ન જણાતા રોકાણકારોની સોનાના સિક્કાઓ અને લગડીમાં લેવાલી નીકળી હોવાનું ચેન્નાઈ સ્થિત એક ડીલરે જણાવતા ઉમેર્યું હતું કે રોકાણલક્ષી માગને ટેકે ગત સપ્તાહે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ સાત ડૉલર જેટલા પ્રીમિયમમાં ક્વૉટ કરી રહ્યા છે.
નોંધનીય બાબત એ છે કે પ્રીમિયમની આ સપાટી 10 મહિનાની ઊંચી સપાટી છે. જોકે, આ પૂર્વેના સપ્તાહે ભાવ આૈંસદીઠ છ ડૉલર આસપાસના ડિસ્કાઉન્ટમાં ક્વૉટ થઈ રહ્યા હતા.વૈશ્વિક સ્તરે સોનાની ભાવસપાટી ઊંચી રહેતાં સોનાના વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે ઊંચા મથાળેથી માગ નિરસ રહેતાં ડીલરો સોનાના ભાવ આૈંસદીઠ 21થી 36 ડૉલર સુધીનાં ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હોવાનું વિશ્લેષક રોસ નોર્મને જણાવ્યું હતું.
વધુમાં સ્વિસ કસ્ટમ વિભાગની આંકડાકીય માહિતી અનુસાર ગત ઑગસ્ટ મહિનામાં ચીન ખાતે સોનાની નિકાસમાં આગલા જુલાઈ મહિનાની સરખામણીમાં 254 ટકાનો વધારો થયો છે. વિશ્લેષકો સપ્ટેમ્બરના અંત આસપાસ ચીનમાં સોનાની માગમાં વધારો થવાનો અંદાજ મૂકી રહ્યા છે. જોકે, સિંગાપોર ખાતે માગ જળવાઈ રહેતાં ડીલરો આૈંસદીઠ 1.60 ડૉલર આસપાસનાં પ્રીમિયમ સાથે ભાવ ઓફર કરી રહ્યાના અહેવાલ હતા.
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ઊંચા ટૅરિફની નીતિને કારણે ફુગાવામાં વૃદ્ધિની અને આર્થિક વૃદ્ધિમાં ઘટાડાની ચિંતાને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ સહિત નીતિઘડવૈયાઓ પ્રમુખ ટ્રમ્પનાં વ્યાજદરમાં કાપ મૂકવા માટેના સતત દબાણ છતાં વ્યાજદરમાં કપાત વિલંબિત કરી રહ્યા હતા, પરંતુ ગત 16 અને 17 સપ્ટેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે ખાસ કરીને રોજગાર ક્ષેત્રની નબળાઈને કારણે રિસ્ક મેનેજમેન્ટનાં એક પગલાં રૂપે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તેમ જ શેષ વર્ષ 2025માં હજુ બે વખત વ્યાજદરમાં કાપ મૂકવાના સંકેત આપ્યા હતા, પરંતુ આગામી વર્ષ 2026માં માત્ર એક વખત વ્યાજદરમાં કાપ મૂકવાનો અવકાશ રહે તેવી શક્યતા જૅરૉમ પૉવૅલે વ્યક્ત કરી હતી. આમ બજારની અપેક્ષાનુસાર વ્યાજદરમાં કાપ મૂકવાના નિર્ણય સાથે ગત શુક્રવારે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ 3707.40 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા.
જોકે, ત્યાર બાદ નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. તેમ છતાં સોનાના વૈશ્વિક ભાવમાં સાપ્તાહિક ધોરણે 0.8 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. તેમ જ આ વર્ષમાં અત્યાર સુધીમાં 39 ટકા જેટલી ભાવવૃદ્ધિ નોંધાઈ હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે વર્ષ દરમિયાન સોનાની તેજીને મુખ્યત્વે ફેડરલની હળવી નાણાનીતિનો આશાવાદ, ભૂરાજકીય તણાવની સ્થિતિ તેમ જ કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીનો ટેકો મળતો રહ્યો હતો.
ભારતમાં સામાન્યપણે સોનામાં તેજીનો અન્ડરટોન રહેતો હોય તેવા સમયગાળામાં સોનાના જૂના સિક્કા, લગડી અને આભૂષણોમાં વેચવાલીનું દબાણ જોવા મળતું હોય છે, પરંતુ તાજેતરની એકતરફી તેજીના માહોલમાં જૂના માલનો પુરવઠો પણ પાંખો રહ્યો હોવાનું તેમણે જણાવતાં ઉમેર્યું હતું કે ટેક્નિકલ દૃષ્ટિએ જોતા વર્તમાન સપ્તાહે વૈશ્વિક સોનામાં આૈંસદીઠ 3750 ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થઈ શકે છે અને જો આ સપાટી કુદાવતા ભાવ વધીને 3890 સુધી વધી શકે છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવની રેન્જ 10 ગ્રામદીઠ રૂ. 1,02,500થી 1,13,900 સુધીની જોવા મળી શકે છે.
ગત સપ્તાહના અંતે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે વધુ 0.8 ટકા વધીને આૈંસદીઠ 3672.08 ડૉલર અને ડિસેમ્બર વાયદામાં ભાવ 0.7 ટકા વધીને 3705.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ફેડરલ રિઝર્વ શેષ વર્ષ 2025માં વધુ બે વખત વ્યાજદરમાં કાપ મૂકવાની હોવાથી સોનામાં તેજીનું વલણ જળવાઈ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં આરજેઓ ફ્યુચર્સના સ્ટ્રેટેજિસ્ટ બોબ હેબર્કોને વર્ષના અંત સુધીમાં સોનાના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 4000 ડૉલરની સપાટી સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
એકંદરે રોકાણકારો ફેડરલ રિઝર્વથી ભવિષ્યની નાણાનીતિમાં કેવું વલણ અપનાવવામાં આવે તેનાં સંકેતોની રાહ જોઈ રહ્યા છે. તેમ છતાં તાજેતરનાં રેટકટના નિર્ણય તેમ જ કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી જળવાઈ રહેતાં ભાવના સુધારાને ટેકો મળી રહ્યો હોવાનું નેમો મનીનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ હૅન ટૅને જણાવતાં ઉમેર્યું હતું કે હાલના તબક્કે ભાવ આૈંસદીઠ 3600 ડૉલરની નીચે જાય તેવી શક્યતા બહુ પાતળી છે.
આ પણ વાંચો…રૂપિયામાં સુધારો આવતા સોનામાં વિશ્વ બજારથી વિપરીત રૂ. 392નો ઘસરકો, ચાંદી રૂ. 900 વધી