વેપાર

ઈ-કૉમર્સમાં સ્ટોક આધારિત એફડીઆઈ માટે મંતવ્યો મગાવતી વાણિજ્ય મંત્રાલય…

નવી દિલ્હીઃ માત્ર નિકાસના હેતુસર ઈ-કૉમર્સ મૉડૅલમાં સીધા વિદેશી રોકાણ (ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ)નાં પ્રસ્તાવને ધ્યાનમાં લેતા વાણિજ્ય મંત્રાલયે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો તરફથી મંતવ્યો મગાવ્યા છે. નોંધનીય બાબત એ છે કે આ પ્રસ્તાવનો મુખ્ય આશય સ્થાનિક નાના રિટેલરોનાં વેપાર પર માઠી અસર પડ્યા વિના નિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

હાલની સીધા વિદેશી રોકાણની નીતિ અંતર્ગત દેશમાં સ્ટોક આધારિત ઈ-કૉમર્સ મૉડૅલમાં સીધા વિદેશી રોકાણને મંજૂરી નથી આપવામાં આવી. માત્ર એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કૉમર્સના માર્કેટ મૉડૅલ મારફતે કાર્ય કરતી કંપનીઓને ઑટોમેટેડ રૂટ મારફતે 100 ટકા સીધા વિદેશી રોકાણને મંજૂરી આપવામાં આવે છે.

જોકે, સૂચિત પ્રસ્તાવમાં ઈ-કોમર્સનાં સ્ટોક આધારિત મૉડૅલમાં ફક્ત સામાન (ગૂડ્સ)ની નિકાસ અને ભારતમાં ઉત્પાદિત થયેલા માલ માટે હાલની સીધા વિદેશી રોકાણની નીતિ અનુસાર જ મંજૂરી આપવામાં આવશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

હાલની સીધા વિદેશી રોકાણની નીતિ અનુસાર ઈ-કોમર્સના સ્ટોક આધારિત મૉડૅલનો અર્થ એવી ઈ-કોમર્સની પ્રવૃત્તિ છે, જ્યાં માલ અને સેવાઓની ઈન્વેન્ટરી અથવા તો સ્ટોક ઈ-કોમર્સ એન્ટિટીઓના માલિકીની હોય, જ્યારે બીજી તરફ ઈ-કોમર્સ માર્કેટપ્લસ આધારિત મૉડૅલનો અર્થ ખરીદનાર અને વેચનાર વચ્ચે સુવિધા આપનાર તરીકે કાર્ય કરવા માટે ડિજિટલ અને ઈલેક્ટ્રોનિક નેટવર્ક પર ઈ-કોમર્સ એન્ટિટી દ્વાર માહિતી અને ટૅક્નોલૉજીનું પ્લેટફોર્મ પૂરું પાડવાનું હોય છે.

અત્રે નોંધનીય બાબત એ છે કે ગયા મહિને વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે નિકાસના હેતુસર ઈ-કૉમર્સ મૉડૅલમાં સીધા વિદેશી રોકાણનો પ્રસ્તાવ વિચારણા હેઠળ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે મને લાગે છે તે આવી ઈ-કોમર્સ કંપનીઓ નિકાસ માટે સ્ટોક રાખવા માગે છે તો તેની સામે અમને વાંધો નથી. વધુમાં ઈ-કોમર્સ હિસ્સેધારકોએ પણ આ મુદ્દે પુનઃ સમીક્ષા કરવા અનુરોધ કર્યો છે.

Haresh Kankuwala

મુંબઈ-સિટી-ડેસ્ક એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારથી જ કારકિર્દીની શરૂઆત થઇ અને છેલ્લા બે દાયકાથી તેની સાથે સંકળાયેલો છું. મુંબઈમાં બનેલી વિવિધ ઘટનાઓના કવરેજમાં સહયોગ આપ્યો છે. લાંબા સમયથી સિટી ન્યૂઝની ઇન્ચાર્જશિપ સંભાળી છે. More »

સંબંધિત લેખો

Back to top button