જાન્યુઆરીમાં ઑટોમોબાઈલના રિટેલ વેચાણમાં 18 ટકાની વૃદ્ધિઃ ફાડા…

નવી દિલ્હીઃ જીએસટીના તાર્કિકરણ પશ્ચાત્ વાહનોની વેચાણ વૃદ્ધિ જળવાઈ રહેવા ઉપરાંત સારી લણણી થતાં રોકડ પ્રવાહમાં વધારો અને લગ્નસરાની મોસમની માગને કારણે ગત જાન્યુઆરી મહિનામાં ઑટોમોબાઈલનું રિટેલ વેચાણ જાન્યુઆરી, 2025ની સરખામણીમાં 18 ટકા વધીને 27 લાખ યુનિટની સપાટીએ રહ્યું હોવાનું ફેડરેશન ઑફ ઑટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન (ફાડા)એ એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
એસોસિયેશનના જણાવ્યાનુસાર ગત જાન્યુઆરી મહિનામાં ઑટોમોબાઈલનું રિટેલ વેચાણ જાન્યુઆરી, 2025ના 23,14,940 યુનિટ સામે 17.61 ટકા વધીને 27,22,558 યુનિટની સપાટીએ રહ્યું હતું. જેમાં પેસેન્જર વાહનોનું વેચાણ વર્ષાનુવર્ષ ધોરણે સાત ટકા વધીને 5,13,475 યુનિટ (4,78,915 યુનિટ)ની સપાટીએ રહ્યું હતું જેમાં ગ્રામીણ વિસ્તારોમાં વેચાણ વૃદ્ધિદર 14.43 ટકાનો અને શહેરમાં વૃદ્ધિદર 2.75 ટકા રહ્યો હતો.
ગ્રામીણ વિસ્તારોમાં એસયુવી/કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં વેચાણ શહેરની તુલનામાં વધુ થયું છે. વધુમાં નવી એન્ટ્રી લેવલની કાર, સ્ટોકની પર્યાપ્ત ઉપલબ્ધતા અને સ્કીમોની પણ વેચાણ પર અસર જોવા મળી હોવાનું ફાડાના પ્રમુખ સી એસ વિઘ્નેશ્વરે યાદીમાં જણાવ્યું હતું.
ગત જાન્યુઆરી મહિનામાં દ્વીચક્રી વાહનોનું વેચાણ વર્ષાનુવર્ષ ધોરણે 21 ટકા વધીને 18,52,870 યુનિટનું થયું હોવાનું વિઘ્નેશ્વરે જણાવતાં ઉમેર્યું હતું કે જાન્યુઆરી મહિનામાં પોંગલ/મકર સંક્રાંતિ, ગ્રાહકોની પોસાણક્ષમતામાં વધારા જેવા કારણોસર વેચાણવૃદ્ધિને ટેકો મળ્યો હતો.
વધુમાં ગત જાન્યુઆરીમાં ત્રિચક્રી વાહનો અને વેપારી વાહનોના વેચાણમાં અનુક્રમે 19 ટકા અને 15 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, જ્યારે ટ્રેક્ટરનું વેચાણ 23 ટકા વધીને 1,14,759 યુનિટના સ્તરે રહ્યું હતું. જોકે, આગામી બે મહિના દરમિયાનના વેચાણ અંગે કરવામાં આવેલા સર્વેક્ષણમાં 79.70 ટકા પ્રતિસાદ સકારાત્મક આપ્યો હતો, જ્યારે માત્ર 1.88 ટકા પ્રતિસાદ નકારાત્મક રહ્યો હોવાનું ફાડાએ યાદીમાં ઉમેર્યું હતું.
તાજેતરમાં જીએસટી 2.0ના અમલ પછી માળખાકીય તેમ જ કૃષિ વિકાસ સાથેના વૃદ્ધિલક્ષી અંદાજપત્ર, વ્યાજદરમાં સ્થિરતા અને વાહન ખરીદી માટે ઈચ્છુક ગ્રાહક માટે ફાઈનાન્સની સુવિધા જેવા ટેકાલક્ષી પરિબળોને ધ્યાનમાં લેતા આગામી મધ્યમ સમયગાળા દરમિયાન વાહનોની વેચાણ વૃદ્ધિને ટેકો મળતો રહેવાનો આશાવાદ એસોસિયેશને વ્યક્ત કર્યો હતો.



