વેપાર

આક્રમક માર્કેટિંગ મારફતે ત્રણ વર્ષમાં દસ દેશોમાં નિકાસ ૧૧૨ અબજ ડૉલર સુધી પહોંચી શકે: અભ્યાસ

નવી દિલ્હી: સરકારી ટેકા સહિત આક્રમક માર્કેટિંગ વ્યૂહ મારફતે અમેરિકા અને યુકે સહિતનાં દસ દેશોમાં નિકાસ ૧૧૨ અબજ ડૉલર સુધી પહોંચી શકે ફક્ત શરત એટલી જ છે કે વ્યવસ્થિત વ્યૂહ ઘડવો જરૂરી છે, એમ ફેડરેશન ઑફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (ફિઓ)એ તાજેતરમાં તૈયાર કરેલા એક અભ્યાસમાં જણાવ્યું છે.

આ દસ દેશોનાં પ્રમુખ શહેરોમાં યોજાતા પ્રદર્શનો, બાયર્સ-સેલર્સ મીટ અને રોડ શૉમાં સ્થાનિક ઉદ્યોગ સહભાગી થઈને તેનાં અર્થાત્ ભારતીય ઉત્પાદનો પ્રદર્શિત કરે તે માટે એક સ્કીમ ઘડવા ફિઓએ સરકારને ભલામણ કરી છે. આ ઉપરાંત ભારતીય મિશનોએ આ દેશોની બજાર અંકે કરવામાં આવતા ટેરિફ સિવાયના (નોન ટેરિફ) અવરોધોને ઓળખી કાઢવા જોઈએ જેથી સમસ્યાઓનું નિરાકરણ થાય અને શિપમેન્ટો પ્રોત્સાહિત થાય. વધુમાં આ મિશનો અગ્રણી આયાતકારો સાથે બેઠક યોજવામાં મદદરૂપ થઈ શકે છે. આ સિવાય પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા પણ સ્થાનિક ઉત્પાદનોની ક્ષમતા, ગુણવત્તા અને લાક્ષણિકતાઓનો પ્રચાર કરવા ઉપયોગી પુરવાર થઈ શકે છે.

આગામી ત્રણ વર્ષમાં ૧૧૨ અબજ ડૉલરની નિકાસની ક્ષમતા ધરાવતા ટોચના દસ દેશોમાં અમેરિકા (૩૧ અબજ ડૉલર), ચાઈના (૨૨ અબજ ડૉલર), યુએઈ (૧૧ અબજ ડૉલર), હૉંગકૉંગ (૮.૫ અબજ ડૉલર), જર્મની (૭.૪ અબજ ડૉલર), વિયેટનામ (૯.૩ અબજ ડૉલર), બંગલાદેશ (પાંચ અબજ ડૉલર), યુકે (૫.૪ અબજ ડૉલર), ઈન્ડોનેશિયા (૬ અબજ ડૉલર) અને મલયેશિયા (૫.૮ અબજ ડૉલર)નો સમાવેશ થતો હોવાનું ઓર્ગેનાઈઝેશને અહેવાલમાં ઉમેર્યું છે.

વૈશ્ર્વિક આર્થિક મંદી, વધતાં વ્યાજદર અને ફુગાવાને કારણે માગ પર માઠી અસર પડતાં ભારતની નિકાસ પર પણ વિપરીત અસર પડી છે. આથી અન્ય સંભવિત બજારો પર નજર દોડાવવી જરૂરી થઈ છે. ફિઓના અભ્યાસ અનુસાર આ દસ દેશોમાં હીરા, વાહનો, જ્વેલરી, ઈલેક્ટ્રોનિક ચીજો, ઑટો કમ્પોનન્ટ્સ, દરિયાઈ ઉત્પાદનો, એપરલ, જંતુનાશકો, આયર્ન અને સ્ટીલ, ચા અને કોફી સહિતના ભારતીય ઉત્પાદનોની નિકાસ વધે તેવી ક્ષમતા છે.

અમેરિકામાં સૌથી વધુ હીરા (૩.૭ અબજ ડૉલર), મોટર વાહનો (૨.૨ અબજ ડૉલર), જ્વેલરી (૧.૪ અબજ ડૉલર), ટેલિફોન સેટ અને અન્ય વોઈસ/ઈમેજ ટ્રાન્સમિશન એપાર્ટસ (૧.૩ અબજ ડૉલર) નિકાસની ક્ષમતા છે. તે જ પ્રમાણે ચીન ખાતે મોટર વેહિકલ, ઑટો પાર્ટસ, જ્વેલરી, બોવિન મીટ, શ્રીમ્પ, માનવ વાળ, મરી, ગ્રેનાઈટ, દિવેલ અને એલ્યુમિનિયમની નિકાસ વધવાની ક્ષમતા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સરકાર નિકાસ પ્રોત્સાહિત કરવા માટે પગલાં લઈ રહી છે અને આગામી વર્ષ ૨૦૩૦ સુધીમાં ગૂડ્સ અને સર્વિસીસ નિકાસ જે ગત નાણાકીય વર્ષમાં ૭૭૬ અબજ ડૉલરની સપાટીએ હતી તે વધીને બે ટ્રિલિયનના સ્તરે પહોંચાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button