ખાંડના ટ્રેડરો, હોલસેલરો, ચેઈન રિટેલરો, મોટા ગ્રાહકો અને પ્રોસેસરોને સ્ટોક જાહેર કરવામાંથી મુક્તિ

નવી મુંબઈ: ગત ૩૦મી સપ્ટેમ્બરના રોજ પૂરી થયેલી ખાંડ મોસમના અંતે દેશમાં ખાંડનો સ્ટોક ઑક્ટોબર અને નવેમ્બર મહિનાની વપરાશી માગ માટે પર્યાપ્ત ૭૮થી ૮૦ લાખ ટનનો પુરવઠો રહે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા સ્થાનિક અગ્રણી સંગઠન ઑલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિયેશને અનાજ મંત્રાલય હેઠળના અનાજ અને જાહેર વિતરણ વિભાગને ખાંડના ટ્રેડરો, હોલસેલરો, ચેઈન રિટેલરો, મોટા ગ્રાહકો અને પ્રોસેસરોને સાપ્તાહિક ધોરણે સ્ટોકની સ્થિતિ જાહેર કરવામાંથી મુક્તિ આપવા માટે અનુરોધ કર્યો હતો.
આ અનુરોધના પ્રતિસાદમાં આજે સરકારે એક આદેશ જાહેર કરીને સ્ટોક જાહેર કરવામાંથી મુક્તિ આપી છે. ગ્રાહક બાબતો, અનાજ અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળના અનાજ અને જાહેર વિતરણ વિભાગનાં ખાંડ તથા વનસ્પતિ તેલના ડિરેક્ટોરેટે આજે એક આદેશ જાહેર કરીને તમામ રાજ્યના અનાજ સહિના મુખ્ય સચિવોને જણાવ્યું હતું કે દેશમાં ખાંડના ભાવની સ્થિતિ અને સ્ટોકની ઉપલબ્ધિને ધ્યાનમાં લેતાં ખાંડના ટ્રેડરો, હોલસેલરો, ચેઈન રિટેલરો, મોટા ગ્રાહકો અને પ્રોસેસરોને સાપ્તાહિક ધોરણે સ્ટોક જાહેર કરવામાંથી મુક્તિ આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સમયાંતરે ખાંડના ભાવ, ઉત્પાદન તથા ઉપલબ્ધિ અંગે સમીક્ષા કરાશે.
ખાંડમાં ખપપૂરતી માગે આગળ ધપતો ઘટાડો
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્મોલ ગ્રેડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગ જળવાઈ રહેતાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૨૦થી ૩૫૬૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. છથી ૧૦નો અને મિડિયમ ગ્રેડની ખાંડમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૩૩નો ઘટાડો આવ્યો હતો, જ્યારે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની જળવાઈ રહેલી આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ હતો તેમ જ રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો.