વેપાર

ઑક્ટોબરમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડનાં આંતરપ્રવાહમાં 19 ટકાનો ઘટાડો…

નવી દિલ્હીઃ ગત ઑક્ટોબર મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોની સ્કીમમાં ચોખ્ખો આંતરપ્રવાહ 19 ટકા ઘટીને રૂ. 24,690 કરોડની સપાટીએ રહેવાની સાથે સતત ત્રીજા મહિનામાં ઘટાડો જોવા મળ્યો હોવાનું ઔદ્યોગિક સંસ્થાએ એક યાદીમાં જણાવ્યું છે.

સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)એ રિટેલ રોકાણકારોનું પસંદગીનું સાધન છે અને તેમાં રોકાણકારોનો આંતરપ્રવાહ આગલા સપ્ટેમ્બર મહિનાના વિક્રમ રૂ. 29,529 કરોડ સામે વધીને રૂ. 29,631 કરોડની સપાટીએ રહ્યો હતો. જોકે, સોનામાં તેજીનાં વલણને ધ્યાનમાં લેતા સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં રૂ. 7743 કરોડનો ચોખ્ખો આંતરપ્રવાહ રહેતાં કુલ એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ રૂ. એક લાખ કરોડનો આંક વટાવી ગઈ હોવાનું એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)એ તાજેતરમાં સંકલિત કરેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.

એમ્ફીના જણાવ્યાનુસાર ઈક્વિટી બજારમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી માસાનુમાસ ધોરણે ગત ઑગસ્ટ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં આંતરપ્રવાહ 22 ટકા ઘટીને રૂ. 33,430 કરોડનાં સ્તરે અને સપ્ટેમ્બરમાં આંતરપ્રવાહ નવ ટકા ઘટીને રૂ. 30,421 કરોડની સપાટીએ રહ્યો હતો.

એમ્ફીના ચીફ એક્ઝિક્યુટિવ વી એન ચાલાસનીએ પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું કે બજાર વધી આવતા ઊંચા મથાળેથી રોકાણકારોની વેચવાલી રહી હોવાથી રોકાણકારોનાં ચોક્કસ વલણનો કોઈ અણસાર નથી મળતો. ગત ઑક્ટોબર મહિનામાં કુલ રિડમ્પશન આગલા સપ્ટેમ્બર મહિનાના રૂ. 35,982 કરોડ સામે વધીને રૂ. 38,920 કરોડની સપાટીએ રહ્યું હતું. તેમ જ ઈક્વિટી સ્કીમો હેઠળ એકત્રિત થયેલ ફંડ આગલા સપ્ટેમ્બર મહિનાના રૂ. 66,404 કરોડ સામે રૂ. 63,611 કરોડની સપાટીએ રહ્યું હતું.

વધુમાં એમ્ફીની આંકડાકીય માહિતી અનુસાર ગત ગત ઑક્ટોબર મહિનાના અંતે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ હેઠળની એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ આગલા મહિનાના અંતના રૂ. 33.68 લાખ કરોડ સામે વધીને 35.16 લાખ કરોડની સપાટીએ રહી હતી.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button