વેપાર

સતત બીજા મહિને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડના આંતરપ્રવાહમાં ઘટાડો…

નવી દિલ્હીઃ ગત જાન્યુઆરી મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં આંતરપ્રવાહ આગલા મહિનાની સરખામણીમાં 14 ટકા ઘટીને રૂ. 24,028 કરોડની સપાટીએ રહ્યો હોવાનું ઔદ્યોગિક સંગઠન એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)એ તાજેતરમાં સંકલિત કરેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.

તાજેતરના ભૂરાજકીય તણાવ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટ પણ દબાણ હેઠળ રહેતી હોવાથી સતત બીજા મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડના આંતરપ્રવાહમાં ઘટાડો જોવા મળ્યો છે. એકંદરે ઈક્વિટી રોકાણમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવા છતાં ગત જાન્યુઆરી મહિનામાં એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ જે આગલા ડિસેમ્બર મહિનામાં રૂ. 80.23 લાખ કરોડ હતી તે વધીને 81.01 લાખ કરોડની સપાટીએ રહી હતી.

એકંદર મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં બહુવિધ ફંડની શ્રેણીને ટેકે ગત ડિસેમ્બર મહિનામાં જોવા મળેલા રૂ. 66,591 કરોડના ચોખ્ખા બાહ્યપ્રવાહ સામે જાન્યુઆરી મહિનામાં રૂ. 1.56 લાખ કરોડનો આંતરપ્રવાહ જોવા મળ્યો હતો.એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં ગત ઑક્ટોબર મહિનામાં રૂ. 24,690 કરોડનો, નવેમ્બરમાં રૂ. 29,911 કરોડનો અને ડિસેમ્બરમાં રૂ. 28,054 કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો.

જોકે, ગત જાન્યુઆરી મહિનાના ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડના આંતરપ્રવાહ પૈકી સૌથી વધુ ફ્લેક્સિ-કેપ ફંડમાં ચોખ્ખો આંતરપ્રવાહ રૂ. 7672 કરોડનો રહ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે મિડ-કેપ ફંડમાં રૂ. 3185 કરોડનો અને લાર્જ તથા મિડ-કેપ ફંડમાં રૂ. 3182 કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો. તેમ જ લાર્જ-કેપ ફંડમાં ચોખ્ખો આંતરપ્રવાહ રૂ. 2005 કરોડનો રહ્યો હતો, જ્યારે સ્મોલકેપ ફંડમાં રૂ. 2942 કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો.

તેની સામે ઈક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કીમમાં રોકાણકારો દ્વારા ટેક્સના એડજસ્ટમેન્ટને ધ્યાનમાં લેતા નફારૂપી વેચવાલી રહેતાં રૂ. 593.69 કરોડનો ચોખ્ખો બાહ્યપ્રવાહ રહ્યો હતો.દરમિયાન ગત જાન્યુઆરીમાં સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં તીવ્ર વધારો થતાં આંતરપ્રવાહ માસાનુમાસ ધોરણે આગલા ડિસેમ્બર મહિનાના રૂ. 11,647 કરોડ સામે વધીને રૂ. 24,040 કરોડની સપાટીએ રહ્યો હતો. તેમ જ ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડમાં પણ આગલા ડિસેમ્બર મહિનાના રૂ. 1.32 લાખ કરોડના બાહ્યપ્રવાહ સામે રૂ. 74,827 કરોડનો ચોખ્ખો આંતરપ્રવાહ રહ્યો હોવાનું એસોસિયેશને યાદીમાં ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button