નવેમ્બરમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડનાં આંતરપ્રવાહમાં 21 ટકાની વૃદ્ધિ

નવી દિલ્હીઃ ગત નવેમ્બર મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં આંતરપ્રવાહ આગલા ઑક્ટોબર મહિનાની સરખામણીમાં 21 ટકા વધીને રૂ. 29,911 કરોડની સપાટીએ રહ્યો હોવાનું ઔદ્યોગિક સંસ્થા એસોશિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)એ તાજેતરમાં સંકલિત કરેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
નોંધનીય બાબત એ છે કે સતત ત્રણ મહિનાના ઘટાડા પશ્ચાત્ આંતરપ્રવાહમાં વધારો થયો છે જે રોકાણકારોનાં વલણમાં સુધારો આવ્યો હોવાના સંકેત આપે છે. તેમ જ ઈક્વિટી ફંડોના આંતરપ્રવાહમાં વધારો થવાથી ઉદ્યોગની કુલ અસ્ક્યામતો અથવા તો એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (ઑમ)જે આગલા ઑક્ટોબર મહિનાના અંતે રૂ. 79.87 લાખ કરોડ હતી તે વધીને 80.80 લાખ કરોડની સપાટીએ રહી છે.
આપણ વાચો: સપ્ટેમ્બરમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોનાં આંતરપ્રવાહમાં નવ ટકાનો ઘટાડો
એકંદરે ગત મહિનામાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)માં રિટેલ રોકાણકારોની સહભાગીતા ધીમી પડતાં એસઆઈપી મારફતે આંતરપ્રવાહ આગલા ઑક્ટોબર મહિનાના રૂ. 29,631 કરોડ સામે ઘટીને રૂ. 29,445 કરોડના સ્તરે રહ્યો હતો.
એસોસિએશનની આંકડાકીય માહિતી અનુસાર ગત નવેમ્બર મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં આંતરપ્રવાહ આગલા ઑક્ટોબર મહિનાના રૂ. 24,690 કરોડ સામે વધીને રૂ. 29,911 કરોડની સપાટીએ રહ્યો હતો. આ પૂર્વે ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ચોખ્ખો આંતરપ્રવાહ અનુક્રમે રૂ. 33,430 કરોડ અને રૂ. 30,421 કરોડની સપાટીએ રહ્યો હતો.
આપણ વાચો: ઑક્ટોબરમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડનાં આંતરપ્રવાહમાં 19 ટકાનો ઘટાડો…
સમીક્ષા હેઠળના મહિનામાં માત્ર ડિવિડન્ડ યિલ્ડ અને ઈએલએસએસને બાદ કરતાં ઘણીખરી પેટા શ્રેણીમાં સકારાત્મક પ્રવાહ જોવા મળ્યો હતો. જેમાં મુખ્યત્વે ફ્લેક્સિકેપ ફંડ રોકાણકારોની મુખ્ય પસંદગી રહેતા સૌથી વધુ રૂ. 8135 કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો.
જોકે, આગલા ઑક્ટોબર મહિનાના રૂ. 8929 કરોડના આંતરપ્રવાહની સરખામણીમાં નવ ટકા ઘટાડો દર્શાવે છે. તેનાથી વિપરીત ગત નવેમ્બર મહિનામાં ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 25,692 કરોડનો બાહ્ય પ્રવાહ રહ્યો હતો, જ્યારે આગલા ઑક્ટોબર મહિનામાં રૂ. 1.6 લાખ કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો.
વધુમાં ગત નવેમ્બર મહિનામાં સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોનાં આંતરપ્રવાહ જે આગલા ઑક્ટોબર મહિનામાં રૂ. 7743 કરોડનો હતો તે તીવ્રપણે ઘટીને રૂ. 3742 કરોડની સપાટીએ રહ્યો હોવાનું એસોશિયેશને આંકડાકીય માહિતીમાં ઉમેર્યું હતું.



