વર્ષ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી અને વ્યાજદરમાં કપાત સહિતનાં ઘટનાસભર વર્ષ માટે ઈક્વિટી માર્કેટ સજ્જ
નવી દિલ્હી: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં રોકાણકારોને આકર્ષક વળતર સાથે વર્ષ ૨૦૨૩ની વિદાય થઈ છે અને હવે લોકસભાની ચૂંટણી, ફેડરલના વ્યાજકપાતના નિર્ણય તેમ જ સ્થાનિક અને વૈશ્ર્વિક સ્તરના ભૌગોલિક-રાજકીય ઘટનાસભર વર્ષ ૨૦૨૪ માટે બજાર સજ્જ થઈ ગયું છે.
જોકે, વિશ્ર્લેષકોનું માનવું છે કે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં તેજીની ચાલ જળવાયેલી રહેશે અને આગામી ત્રણથી છ મહિનામાં બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી સાત ટકા સુધી વધી શકે છે.
વર્ષ ૨૦૨૩માં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ૧૮.૭૩ ટકા અથવા તો ૧૧,૩૯૯.૫૨ પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ૨૦ ટકા અથવા તો ૩૬૨૬.૧ પૉઈન્ટ ઉછળ્યો હતો.
વિશ્ર્લેષકોના મતાનુસાર આગામી વર્ષ ૨૦૨૪માં સ્થાનિક સ્તરે લોકસભાની ચૂંટણી, અમેરિકી પ્રમુખપદની ચૂંટણી, વ્યાજદરમાં વધઘટની સ્થિતિ, અમેરિકા તથા ભારતમાં ફુગાવાનું વલણ અને ભૌગોલિક-રાજકીય સ્થિતિ બજારનાં મુખ્ય ચાલક પરિબળો રહેશે.
વધુમાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં વર્તમાન શાસકપક્ષ ભારતીય જનતા પાર્ટીનું વર્ષ ૨૦૨૪માં પુનરાગમન થાય તેવો બજાર આશાવાદ રાખી રહી હોવાથી ચૂંટણીનાં પરિણામો બજારનું મુખ્ય પરિબળ છે.
બજારના સુધારાને ગતિ આપવામાં રાજકીય સ્થિરતા મહત્ત્વની ભૂમિકા હોવાથી બજારનો આશાવાદ આગામી ચૂંટણીઓમાં સરળ અને નિર્ણાયક પરિણામ પર આધારિત છે, જે ૨૦૨૪માં સતત આર્થિક વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે અનુકૂળ વાતાવરણને પ્રોત્સાહન આપે છે, એમ એક નિષ્ણાતે જણાવ્યું હતું.
સ્થાનિક સ્તરે આગામી લોકસભાની ચૂંટણીનાં પરિણામો અને ત્યાર બાદનું પહેલું અંદાજપત્ર સ્થાનિક સ્તરે મહત્ત્વપૂર્ણ પુરવાર થશે, એમ મોતીલાલ ઓસવાલ બ્રોકિંગ એન્ડ ડિસ્ટ્રિબ્યુશને એક યાદીમાં જણાવતા ઉમેર્યું છે કે અમે અપેક્ષા રાખીએ છીએ ચૂંટણી પૂર્વની રેલી ચાલુ રહેશે તેમ જ કોઈપણ પ્રકારના વ્યાજદરમાં ઘટાડો બજારની તેજીને અતિરિક્ત પરિબળ પૂરું પાડશે. મજબૂત સ્થાનિક આર્થિક પરિબળો, તાજેતરની ચૂંટણીઓમાં ભાજપની સફળતાથી રાજકીય સ્થિરતાનો વધેલો આશાવાદ, પ્રોત્સાહક કોર્પોરેટ પરિણામોની ધારણા અને અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા આપવામાં આવેલા વ્યાજદરમાં કપાતનાં સંકેતો સહિતનાં સકારાત્મક પરિબળોને ટેકે વર્ષ ૨૦૨૩માં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૮૧.૯૦ લાખ કરોડનો ઉમેરો થયો હતો. આવતા વર્ષે ફેડરલ રિઝર્વ ત્રણ વખત વ્યાજદરમાં કાપ મૂકે તેમ હોવાથી રોકાણકારોની સહભાગીતામાં વધારો થશે.
વધુમાં ભારત સૌથી વધુ ઝડપભેર વિકસતું અર્થતંત્ર બની રહ્યું છે અને તાજેતરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી જીતે રોકાણકારોનાં સેન્ટિમેન્ટને વધુ વેગ આપ્યો છે. તેમ જ ક્રૂડતેલના ભાવમાં ઘટાડો થવાથી ફુગાવો અંકુશમાં રહે તેવી શક્યતા પ્રબળ થતાં આગામી ત્રણથી છ મહિના દરમિયાન બજારમાં તેજી જળવાઈ રહેવાની સંભાવના વ્યક્ત કરતાં મહેતા ઈક્વિટીઝનાં ચેરમેન રાકેશ મહેતાએ જણાવતાં ઉમેર્યું હતું કે આ સમય દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં પાંચથી સાત ટકાનો વધારો અને મિડકેપ તથા સ્મોલકેપનાં આંકમાં ૧૦થી ૧૫ ટકાનો ઉછાળો આવે તેવી શક્યતા નકારી ન શકાય.
તે જ પ્રણાણે સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ ટ્રેડિંગોનાં ફાઉન્ડર પાર્થ ન્યાતીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૩નાં આકર્ષક વળતર સાથેના અંત બાદ વર્ષ ૨૦૨૪માં પણ ખાસ કરીને ફેડરલનાં વ્યાજ કપાતના સંકેતો સાથે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ થતાં વિદેશી રોકાણકારોનાં આંતરપ્રવાહના ટેકે તેજી આગળ ધપે તેમ જણાય છે સિવાય કે વિશ્ર્વ બજાર તરફથી કોઈ નકારાત્મક સંકેતો મળે તો તેજીને બ્રેક લાગી શકે છે.