ઑક્ટોબર મહિનામાં ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોનાં રિટેલ વેચાણમાં 57 ટકાનો ઉછાળો

નવી દિલ્હીઃ ગત ઑક્ટોબર મહિનામાં ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોનું રિટેલ વેચાણ ઑક્ટોબર, 2024ના 11,464 યુનિટ સામે 57 ટકા વધીને 18,055 યુનિટની સપાટીએ રહ્યું હોવાનું તેમ જ વેચાણમાં ટાટા મોટર્સે અગ્રતાક્રમ જાળવી રાખ્યો હોવાનું ઔદ્યોગિક સંગઠન ફેડરેશન ઑફ ઑટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન (ફાડા)એ તાજેતરમાં સંકલિત કરેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત ઑક્ટોબર મહિનામાં ટાટા મોટર્સનું રિટેલ વેચાણ 10 ટકાના દરે વધીને 7239 યુનિટના સ્તરે રહ્યું હતું. ત્યાર બાદ એમજી મોટર ઈન્ડિયાનું રિટેલ વેચાણ 63 ટકાના દરે વધીને 9549 યુનિટના સ્તરે રહ્યું હતું. તેમ જ ત્રીજા ક્રમાંકે મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રાનું વેચાણ ઑક્ટોબર, 2024ના 955 યુનિટ સામે વધીને 3911 યુનિટની સપાટીએ રહ્યું હતું. આ સિવાય કિઆનું રિટેલ વેચાણ 656 યુનિટના સ્તરે અને બીવાયડીનું વેચાણ 570 યુનિટની સપાટીએ રહ્યું હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.
આ પણ વાંચો: ઇલેક્ટ્રિક વાહનોને ટોલ મુક્તિ, પેસેન્જર ઇવી પર મોટી સબસિડી; રાજ્ય સરકારે નવી ઈવી નીતિને મંજૂરી આપી…
ફેડરેશનનાં જણાવ્યાનુસાર ગત ઑક્ટોબર મહિનામાં દ્વીચક્રી ઈલેક્ટ્રિક વાહનોનું રિટેલ વેચાણ ઑક્ટોબર, 2024નાં 1,40,225 યુનિટ સામે ત્રણ ટકા વધીને 1,43,887 યુનિટના સ્તરે રહ્યું હતું. જેમાં સૌથી વધુ બજાજ ઑટોનું વેચાણ 31,426 યુનિટના સ્તરે રહ્યું હતું. ત્યાર બાદ અનુક્રમે ટીવીએસ મોટર કંપનીનું વેચાણ 29,515 યુનિટના સ્તરે, એથર એનર્જીનું વેચાણ 28,101 યુનિટ, ઓલા ઈલેક્ટ્રિકનું વેચાણ 16,036 યુનિટ, હીરો મોટોકોર્પનું વેચાણ 15, 952 યુનિટ અને ગ્રીવ્ઝ ઈલેક્ટ્રિક મોબિલિટીનું વેચાણ 7629 યુનિટની સપાટીએ રહ્યું હતું.
વધુમાં ગત ઑક્ટોબર મહિનામાં ત્રિચક્રી ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ વર્ષાનુવર્ષ ધોરણે પાંચ ટકા વધીને 70,604 યુનિટના સ્તરે રહ્યું હતું, જ્યારે ઈલેક્ટ્રિક વેપારી વાહનોનું વેચાણ ઑક્ટોબર, 2024ની સરખામણીમાં ત્રણ ગણું વધીને 1767 યુનિટની સપાટીએ રહ્યું હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.



