ડૉલર સામે રૂપિયામાં આઠ પૈસાનું બાઉન્સબૅક
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, ક્રૂડતેલના વાયદામાં નરમાઈ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આઠ પૈસાના બાઉન્સબૅક સાથે ૮૩.૮૭ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૮૩.૯૫ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૮૮ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૯૩ અને ઉપરમાં ૮૩.૮૪ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે આઠ પૈસાના સુધારા સાથે ૮૩.૮૭ની સપાટીએ બંધ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને અમેરિકી અર્થતંત્રમાં મંદીની ભીતિ હળવી થવાની સાથે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળે તેવી શક્યતા બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે જો મધ્ય પૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવ વધે તો રૂપિયામાં સુધારો મર્યાદિત રહી શકે છે. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે ૦.૨૮ ટકા ઘટીને ૧૦૨.૧૭ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૮૭ ટકા ઘટીને બેરલદીઠ ૭૮.૯૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક સ્તરે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૨.૧૬ પૉઈન્ટનો ઘટાડો અને ૩૧.૫૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી તેમ જ ગત શુક્રવારે સ્થાનિકમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૭૬૬.૫૨ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.