મલયેશિયા પાછળ દેશી-આયાતી તેલમાં નરમાઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં આજે 102 રિંગિટનો કડાકો બોલાઈ ગયાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ એકમાત્ર સિંગતેલમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ દેશી-આયાતી તેલના ભાવમાં 10 કિલોદીઠ સરસવમાં રૂ. 20, આરબીડી પામોલિનમાં રૂ. 15, સન રિફાઈન્ડ અને કપાસિયા રિફાઈન્ડમાં રૂ. 10 અને સોયા રિફાઈન્ડમાં રૂ. પાંચ ઘટી આવ્યા હતા. વધુમાં તાજેતરમાં ભાવઘટાડો જોવા મળી રહ્યો હોવાથી વધુ ભાવઘટાડાના આશાવાદે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે કામકાજો નિરસ રહ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ ઈમામીના સોયા રિફાઈન્ડ અને આરબીડી પામોલિનના અનુક્રમે રૂ. 1225 અને રૂ. 1240, એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1250, સોયા રિફાઈન્ડના રૂ. 1240 અને સનફ્લાવર રિફાઈન્ડના રૂ. 1410, બુંગેના આરબીડી પામોલિનના રૂ. 1245 અને સોયા રિફાઈન્ડના રૂ. 1225, એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. 1230, પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિનના રૂ. 1270, ગોકુલ એગ્રોના આરબીડી પામોલિનના રૂ. 1255 અને સોયા રિફાઈન્ડના રૂ. 1235 તથા રિલાયન્સ ક્નઝ્યુમરના સન રિફાઈન્ડના રૂ. 1420 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો.
વધુમાં આજે ગોંડલ મથકે મગફળીની 20,000 ગૂણીની તથા રાજકોટ મથકે ગઈકાની શેષ 5000 ગૂણીની આવક હતી. તેમ જ બન્ને મથકો પર વેપાર મણદીઠ રૂ. 950થી 1250માં થયાના અહેવાલ હતા.
આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1265, સોયા રિફાઈન્ડના રૂ. 1270, સન રિફાઈન્ડના રૂ. 1410, સિંગતેલના રૂ. 1340, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1330 અને સરસવના રૂ. 1570ના મથાળે રહ્યા હતા. આ સિવાય આજે ગુજરાતનાં મથકો પર નિરસ માગે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2100માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1300માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા.