સન રિફાઈન્ડમાં સુધારો, અન્ય દેશી-આયાતી તેલમાં ટકેલું વલણ

ત્રણ વર્ષમાં પામતેલના વાયદામાં ભાવ 5500 રિંગિટે પહોંચે તેવી શક્યતાઃ દોરાબ મિસ્ત્રી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગઈકાલે શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં 18 સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ તેમ જ આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 37 રિંગિટ ઘટી આવ્યા હોવાના પ્રોત્સાહક અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે વેપારો પાંખાં રહ્યા હતા. જોકે, આજે એકમાત્ર સન રિફાઈન્ડના ભાવમાં શિકાગો પાછળ 10 કિલોદીઠ રૂ. 10નો સુધારો આવ્યો હતો, જ્યારે અન્ય તમામ દેશી-આયાતી તેલના ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે કોલમ્બિયા ખાતે યોજાયેલા એક ઔદ્યોગિક પરિસંવાદમાં તેલ ઉદ્યોગના અગ્રણી વિશ્લેષક દોરાબ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પામતેલના અગ્રણી ઉત્પાદક દેશ ઈન્ડોનેશિયામાં વધી રહેલા બાયોડીઝલ માટેનાં વપરાશને કારણે પુરવઠા સ્થિતિ તંગ રહેતાં આગામી જાન્યુઆરીથી માર્ચ દરમિયાન મલયેશિયા ખાતે પામતેલના વાયદામાં ભાવ 27 ટકા વધીને ટનદીઠ 5500 ડૉલરની ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચે તેવી શક્યતા જણાય છે.
આ પણ વાંચો: મલયેશિયા પાછળ દેશી-આયાતી તેલમાં નરમાઈ
આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એવીઆઈનાં સોયા રિફાઈન્ડના રૂ. 1240, ઓલામનાં ક્રૂડ પામતેલના રૂ. 1025 અને સોયા રિફાઈન્ડના રૂ. 1030, જી-વનના આરબીડી પામોલિનના રૂ. 1231 અને સોયા રિફાઈન્ડના રૂ. 1221 તથા ગોકુલ એગ્રોનાં આરબીડી પામોલિનના રૂ. 1265 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારો નિરસ રહ્યા હતા.
વધુમાં આજે ગોંડલ મથકે મગફળીની 23,000 ગૂણીની તથા રાજકોટ મથકે 15,000 ગૂણીની આવક હતી. તેમ જ બન્ને મથકો પર વેપાર મણદીઠ રૂ. 900થી 1260માં થયાના અહેવાલ હતા.
આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1265, સોયા રિફાઈન્ડના રૂ. 1270, સન રિફાઈન્ડના રૂ. 1420, સિંગતેલના રૂ. 1340, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1330 અને સરસવના રૂ. 1570ના મથાળે રહ્યા હતા. આ સિવાય આજે ગુજરાતનાં મથકો પર નિરસ માગે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2100માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1300માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા.