મથકો પાછળ સરસવમાં રૂ. 15ની નરમાઈ, અન્ય દેશી-આયાતી તેલમાં ટકેલું વલણ | મુંબઈ સમાચાર
વેપાર

મથકો પાછળ સરસવમાં રૂ. 15ની નરમાઈ, અન્ય દેશી-આયાતી તેલમાં ટકેલું વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં 17 રિંગિટ વધી આવ્યાના અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે કામકાજો પાંખાં રહ્યાં હોવાથી એકમાત્ર સરસવને બાદ કરતાં અન્ય તમામ દેશી-આયાતી તેલમાં ટકેલું વલણ રહ્યું હતું. જોકે, આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગ નિરસ રહેતાં તેલિયા ટીનના ભાવમાં 15 કિલોદીઠ રૂ. 20નો અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 15નો ઘટાડો આવ્યો હતો, પરંતુ સ્થાનિક સ્તરે સિંગતેલમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે મથકો પાછળ આજે સરસવના ભાવમાં 10 કિલોદીઠ રૂ. 15નો ઘટાડો આવ્યો હતો.

દરમિયાન આજે કાર્ગો સર્વેયર ઈન્ટરટેક સર્વિસીસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રાથમિક આંકડાકીય માહિતી અનુસાર ગત તા. 1થી 20 સપ્ટેમ્બર દરમિયાન મલયેશિયાની પામતેલની નિકાસ આગલા ઑગસ્ટ મહિનાના સમાનગાળાના 9,259,051 ટન સામે 8.72 ટકા વધીને 10,10,032 ટનની સપાટીએ રહી હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: વિશ્વ બજાર પાછળ આયાતી તેલમાં આગળ ધપતી નરમાઈ

આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે વિવિધ આયાતી તેલના 10 કિલોદીઠ ભાવમાં રિલાયન્સ રિટેલના સોયા રિફાઈન્ડ અને સન રિફાઈન્ડના અનુક્રમે રૂ. 1240 અને રૂ. 1425, ગોકુલ એગ્રોના આરબીડી પામોલિનના રૂ. 1250 અને સોયા રિફાઈન્ડના રૂ. 1275, એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1255, સોયા રિફાઈન્ડના રૂ. 1250 અને સન રિફાઈન્ડના રૂ. 1420, પતંજલિ ફૂડસના સોયા રિફાઈન્ડના રૂ. 1285 અને સન રિફાઈન્ડના રૂ. 1415, જી-વનના આરબીડી પામોલિનના રૂ. 1261 અને સોયા રિફાઈન્ડના રૂ. 1251, ગોદરેજ એગ્રોવેટના આરબીડી પામોલિનના રૂ. 1245 અને અલાનાના ઑક્ટોબર ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1285 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારો છૂટાછવાયા રહ્યા હતા.

આ પણ વાંચો: વિશ્વ બજાર પાછળ આયાતી તેલમાં જળવાતી પીછેહઠ, સિંગતેલમાં વધુ રૂ. 10 ઘટ્યા

વધુમાં આજે ગોંડલ મથકે મગફળીની 25,000 ગૂણીની અને ગત શનિવારની શેષ 5000 મળી કુલ 25,000 ગૂણીની તથા રાજકોટ મથકે 10,000 ગૂણીની આવક હતી. તેમ જ બન્ને મથકો પર વેપાર મણદીઠ રૂ. 950થી 1250માં થયાના અહેવાલ હતા.

સ્થાનિકમાં આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1280, સોયા રિફાઈન્ડના રૂ. 1280, સન રિફાઈન્ડના રૂ. 1420, સિંગતેલના રૂ. 1340, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1340 અને સરસવના રૂ. 1590ના મથાળે રહ્યા હતા. આ સિવાય આજે ગુજરાતનાં મથકો પર નિરસ માગે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. રૂ. 2100માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1300માં થયાના અહેવાલ હતા.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button