તેલ મોસમ 2024-25માં 1.61 લાખ કરોડના મૂલ્યના ખાદ્યતેલની આયાત

નવી દિલ્હીઃ ગત ઑક્ટોબરના અંતે પૂરી થયેલી વર્ષ 2024-25ની તેલ મોસમમાં દેશની સ્થાનિક માગ સંતોષવા માટે રૂ. 1.61 લાખ કરોડના મૂલ્યના 1.6 કરોડ ટન ખાદ્યતેલની આયાત થઈ હોવાનું સ્થાનિક ઔદ્યોગિક સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશને તાજેતરમાં સંકલિત કરેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેની મોસમમાં દેશમાં 1.596 કરોડ ટન ખાદ્યતેલની આયાત થઈ હતી જેનું મૂલ્ય રૂ. 1.32 લાખ કરોડની સપાટીએ રહ્યું હતું. આમ વૈશ્વિક બજારમાં ભાવ ઊંચી સપાટીએ રહ્યા હોવાથી મૂલ્યની દૃષ્ટિએ આયાતમાં વર્ષાનુવર્ષ ધોરણે બાવીસ ટકાનો ઉછાળો આવ્યો હતો.
આપણ વાચો: તહેવારોની મોસમમાં મોંઘવારીનો માર: સિંગતેલના ભાવમાં રૂપિયા 30નો વધારો
સામાન્યપણે દેશમાં પામતેલની આયાત ઈન્ડોનેશિયા અને મલયેશિયાથી, સોયાબીનની આયાત આર્જેન્ટિના અને બ્રાઝિલથી અને સનફ્લાવર તેલની આયાત રશિયાથી થતી હોય છે. વર્ષ 1990થી દેશમાં સ્થાનિક માગ અને પુરવઠા વચ્ચેનો ખાંચરો સરભર કરવા માટે આયાત થઈ રહી છે.
આરંભિક તક્ક્કામાં આયાતનું પ્રમાણ ઓછું હતું, પરંતુ છેલ્લાં 20 વર્ષથી અથવા તો તેલ મોસમ 2004-05થી 2024-25 દરમિયાન આયાતના પ્રમાણમાં 2.2 ગણો અને આયાત પડતરોમાં 15 ગણો વધારો થયો છે. ગત તેલ મોસમ 2024-25માં 1.6 કરોડ ટન તેલની આયાત માટે રૂ. 1.61 લાખ કરોડ (18.3 અબજ ડૉલર)નો ખર્ચ થયો છે.
આપણ વાચો: સોયાબીનના ભાવ ટેકાના કરતાં નીચી સપાટીએ છતાં ઑગસ્ટમાં સોયાતેલની આયાત મોસમની ટોચ પર
પ્રમાણની દૃષ્ટિએ જોઈએ તો તેલ મોસમ 2020-21માં 1.313 કરોડ ટન, 2021-22ની મોસમમાં 1.403 કરોડ ટન અને તેલ મોસમ 2022-23માં 1.647 કરોડ ટન ખાદ્યતેલની આયાત થઈ હતી.
એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર વર્ષ 2024-25ની મોસમમાં રિફાઈન્ડ તેલની આયાત આગલી મોસમના 19,31,254 ટન સામે 17,37,228 ટનની સપાટીએ રહી હતી. જોકે, તેની સામે ક્રૂડ ખાદ્યતેલની આયાત ગત મોસમના સમાનગાળાના 1.40.31.317 ટન સામે વધીને 1,42,73,520 ટનની સપાટીએ રહી હતી.
વધુમાં ગત તેલ મોસમ 2024-25માં સોયાબીનની તેલની આયાત અત્યાર સુધીની આયાત પૈકી સર્વોચ્ચ 54.7 લાખ ટનની સપાટીએ રહી હતી. આ પૂર્વે વર્ષ 2015-16ની મોસમમાં 42.3 લાખ ટન સોયાબીન તેલની આયાત થઈ હતી. તેની સામે પામતેલની આયાત આગલી મોસમના 90 લાખ ટન સામે ઘટીને 75.8 લાખ ટનના સ્તરે રહી હોવાનું એસોસિયેશને યાદીમાં ઉમેર્યું હતું.



