જીએસટીમાં કાપ, ઈ-કોમર્સ પ્લેટફોર્મનાં ભાવઘટાડા પર કેન્દ્રની ચાંપતી નજર | મુંબઈ સમાચાર
વેપાર

જીએસટીમાં કાપ, ઈ-કોમર્સ પ્લેટફોર્મનાં ભાવઘટાડા પર કેન્દ્રની ચાંપતી નજર

નવી દિલ્હીઃ ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા એફએમસીજી (ફાસ્ટ મૂવિંગ ક્નઝ્યુમર ગૂડ્સ) ચીજો પરનાં જીએસટીનાં દરમાં કરવામાં આવેલો ઘટાડો ગ્રાહકોને પસાર કરવામાં આવે છે કે નહીં તેનાં પર કેન્દ્ર સરકાર ચાંપતી નજર રાખી રહી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.

કેટલાંક ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર દૈનિક ધોરણે વપરાતી આવશ્યક ચીજોના ભાવમાં ઘટાડો કરવામાં ન આવ્યો હોવાની ફરિયાદો વચ્ચે સૂત્રોએ ફિલ્ડ ફોર્મેશન ભાવમાં થતા ફેરફારો પર ધ્યાન રાખી રહી છે અને અમે તે અંગેનો પહેલો અહેવાલ 30મી સપ્ટેમ્બર સુધી આપીશું એમ સૂત્રોએ જણાવતા ઉમેર્યું હતું કે આ ફરિયાદો પર તાત્કાલિક ધોરણે કોઈ પ્રતિક્રિયા આપવા નથી માગતા.

આ પણ વાંચો: દેશમાં જીએસટી સુધારાનો આજથી અમલ, આ વસ્તુઓ થઇ સસ્તી…

નોંધનીય બાબત એ છે કે ગત 22મી સપ્ટેમ્બરથી જીએસટીનાં મુખ્ય દર પાંચ ટકા અને 18 ટકા નિર્ધારિત કરવામાં આવ્યા છે જે અગાઉ 5, 12, 18 અને 28 ટકાના સ્તરે હતા. આમ હવે માત્ર બે જ સ્તરમાં દર વિભાજિત થઈ જતાં દૈનિક વપરાશની 99 ટકા ચીજોના ભાવમાં ઘટાડો થયો છે.

એકંદરે નફાખોરી સંબંધિત ફરિયાદો માટે નફાખોરી વિરોધી પદ્ધતિ સક્ષમ નથી કરવામાં આવી તેમ છતાં સરકાર ભાવ પર નજર રાખી રહી છે અને વિવિધ કંપનીઓએ પોતે આગળ આવીને કહ્યું છે કે તેઓ જીએસટીનાં દરમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને પસાર કરી રહ્યા છે.

આ પણ વાંચો: ભાજપ દેશભરમાં સોમવારથી જીએસટી બચત ઉત્સવ અભિયાન શરુ કરશે

અગાઉ નવમી સપ્ટેમ્બરનાં રોજ નાણાં મંત્રાલયે સેન્ટ્રલ જીએસટી ફિલ્ડ ઑફિસરને સામાન્યપણે દૈનિક ધોરણે વપરાશમાં આતી 54 ચીજોની યાદી આપીને માસિક ધોરણે અહેવાલ આપવા જણાવ્યું હતું. સેન્ટ્રલ બોર્ડ ઑફ ઈનડાયરેક્ટ ટેક્સિસ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ આગામી 30મી સપ્ટેમ્બર સુધીમાં આ ચીજોનાં બ્રાન્ડ અનુસારના મહત્તમ છૂટક ભાવની તુલનાત્મક વિગતોનો અહેવાલ આપવાનો રહેશે. આ 54 ચીજોની યાદીમાં મુખ્યત્વે, બટર, શેમ્પુ, ટૂથપેસ્ટ, ટોમેટો કેચઅપ, જામ, આઈસક્રીમ, એસી, ટીવી, ડાયગ્નેસ્ટિક કીટ, ગ્લુકોમીટર, બેન્ડેજ, થર્મોમીટર, રબર, ક્રેયોન્સ, સિમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button