ચીનની કેન્દ્રવર્તી બૅન્કની સોનામાં લેવાલી અટકવાની સાથે રોજગારીનાં ડેટા મજબૂત આવતા વૈશ્વિક સોનાની તેજીને બમણો ફટકો, સપ્તાહના અંતે ત્રણ ટકાનું ગાબડું

કોમોડિટી -રમેશ ગોહિલ
તાજેતરમાં અમેરિકાની આર્થિક વૃદ્ધિ સહિતનાં અન્ય આર્થિક ડેટાઓ નિરસ આવ્યા હોવાથી એકંદરે ડૉલર ઈન્ડેક્સમાં તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થયો હતો અને ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવો આશાવાદ પ્રબળ થવાથી તેમ જ મધ્યપૂર્વનાં દેશોનાં તણાવને ધ્યાનમાં લેતા વૈશ્ર્વિક સોનામાં ધીમી પણ મક્કમ ગતિએ તેજીનો અન્ડરટોન જળવાઈ રહ્યો હતો. તેમ જ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સપ્તાહના અંતિમ સત્રમાં શુક્રવારે મધ્યસત્ર દરમિયાન એક તબક્કે હાજરમાં શુદ્ધ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૩,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. જોકે, ત્યાર બાદ પાછોતરા સત્રમાં ચીનની કેન્દ્રવર્તી બૅન્ક પીપલ્સ બૅન્ક ઑફ ચાઈનાની મે મહિનામાં સોનામાં લેવાલી અટકી હોવાના અહેવાલો વહેતાં થતાં વિશ્ર્વ બજારમાં સોનાના ભાવ ઘટી આવતાં સ્થાનિકમાં પણ ભાવ ઘટી આવ્યા હતા. વધુમાં ગત શુક્રવારે અમેરિકાનાં નોન ફાર્મ પૅરૉલ ડેટા બજારની અપેક્ષા કરતાં ઘણાં સારા આવ્યા હોવાથી પુન: ફેડરલ દ્વારા વ્યાજદરમાં કપાતની આશા ધૂંધળી થતાં સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ ૩.૪૯ ટકા ઘટીને ૨૨૯૧.૭૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આમ એકંદરે ગત સપ્તાહના અંતે વૈશ્ર્વિક સોનાની તેજીને બમણો ફટકો પડ્યો હતો અને સોનાએ ઔંસદીઠ ૨૩૦૦ ડૉલરની સપાટી ગૂમાવી હતી.
ગત સપ્તાહ દરમિયાન સ્થાનિકમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ અથવા તો શુદ્ધ સોનાના ભાવમાં બેતરફી વધઘટના અંતે ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭૦નો ઘટાડો આવ્યો હતો. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં શુદ્ધ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૩૧મી મેના ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૨,૩૫૬ના બંધ ભાવ સામે સપ્તાહની નીચી રૂ. ૭૧,૪૦૫ની સપાટીએ ખૂલ્યા બાદ ઉપરમાં રૂ. ૭૩,૦૩૩ સુધી પહોંચ્યા બાદ અંતે રૂ. ૭૧,૯૮૬ના મથાળે બંધ રહ્યા હતા. આમ સપ્તાહ દરમિયાન ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭૦ અથવા તો ૦.૫૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે, ગત શુક્રવારે વિશ્ર્વ બજારમાં સોનાના ભાવમાં ૩.૪૯ ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હોવાથી આગામી સપ્તાહના આરંંભે સ્થાનિકમાં કેટલો ભાવઘટાડો જોવા મળે છે તે જોવું રહ્યું. જોકે, ગત સપ્તાહે સ્થાનિકમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી. તેમ જ ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ શુષ્ક રહી હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.
ફેડરલનાં રેટ કટના આશાવાદ વચ્ચે સોનાના અગ્રણી વપરાશકાર દેશ ચીનની કેન્દ્રવર્તી બૅન્કની ૧૮ મહિના સુધી અવિરત લેવાલી જળવાઈ રહ્યા બાદ ગત મે મહિનામાં લેવાલી અટકી હોવાના અહેવાલે ગત શુક્રવારે સોનાની તેજીને પહેલો ઝટકો આપ્યો હતો. ત્યાર બાદ અમેરિકાના શ્રમ વિભાગે જાહેર કરેલી આંકડાકીય માહિતી અનુસાર ગત મે મહિનામાં અમેરિકામાં નોન ફાર્મ પૅરૉલ ડેટામાં ૨,૭૨,૦૦૦ રોજગારનું સર્જન થયું હોવાનું જણાવ્યું હતું. જોકે, બજાર વર્તુળો રોજગારની સંખ્યામાં ૧,૮૫,૦૦૦ના વધારાની ધારણા મૂકી રહ્યા હતા. આમ બજારની અપેક્ષા કરતાં સારી રોજગાર વૃદ્ધિ થઈ હોવાના નિર્દેશો સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજર સોનાના ભાવમાં વધુ ઝટકો આવ્યો હતો અને ભાવ આગલા બંધ સામે ૩.૪૯ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨૯૨.૯૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ ૩.૩૨ ટકાના ઘટાડા સાથે ૨૨૯૧.૫૦ ડૉલરના મથાળે બંધ રહ્યા હતા. એકંદરે રોજગારીના ડેટા મજબૂત આવતા હવે ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બરના સ્થાને નવેમ્બર મહિનાથી રેટ કટની શરૂઆત કરે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. અમુક વિશ્ર્લેષકોનું માનવું છે કે ગત મે મહિનામાં વૈશ્ર્વિક સ્તરે સોનાના ભાવ ઊંચી સપાટીએ હોવાથી ચીનની લેવાલી અટકી છે, પરંતુ હવે ભાવમાં કડાકો બોલાઈ ગયો હોવાથી લેવાલી પુન: પાછી ફરી શકે છે, જ્યારે ટેક્નિકલ એનાલિસ્ટ રિંકુ સૈયાના મતાનુસાર હાલ સોનાના ઑગસ્ટ વાયદામાં ઔંસદીઠ ૨૨૮૮ ડૉલર, ૨૨૬૬ ડૉલર અને ૨૨૪૮ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ઔંસદીઠ ૨૩૩૫ ડૉલર, ૨૩૫૦ ડૉલર અને ૨૩૭૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા જણાય છે.
ગત બુધવારે બૅન્ક ઑફ કેનેડાએ વ્યાજદર જે પાંચ ટકા હતા તે ઘટાડીને ૪.૭૫ ટકા કર્યા હતા. તેમ જ યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે પણ મુખ્ય રિફાઈનાન્સિંગ રેટ ૨૫ બેસિસ પૉઈન્ટ ઘટાડીને ૪.૨૫ ટકા કર્યા હતા. હવે સ્વિત્ઝર્લેન્ડમાં ફુગાવો ઘટતાં સ્વિસ બૅન્ક પણ આગામી ૨૦મી જૂનની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી અટકળો મૂકાઈ રહી છે. વધુમાં ગત મે મહિનામાં ચીનની કેન્દ્રવર્તી બૅન્કની સોનામાં ખરીદી અટકવાની સાથે રશિયાનાં નાણાં મંત્રાલયે પણ આ મહિનાના અંત સુધીમાં વિદેશી ચલણો અને સોનાની ખરીદી ઘટાડશે એવાં સંકેતો આપ્યા હતા.
એકંદરે વૈશ્ર્વિક સ્તરે ઘણી કેન્દ્રવર્તી બૅન્કોએ વ્યાજદરમાં ઘટાડો કરવાની શરૂઆત કરી છે અને અમુક બૅન્કોએ ઘટાડાના સંકેત આપ્યા છે ત્યારે વિશ્ર્વ બજારમાં કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલીનો ટેકો ખસી રહ્યો હોવાથી હવે રોકાણકારોની નજર અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી ૧૧-૧૨મી જૂનના રોજ યોજાનારી બે દિવસીય નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ હોવાનું વિશ્ર્લેષકો જણાવે છે. નોંધનીય બાબત એ છે કે ગત એપ્રિલ મહિનામાં સ્વિસની સોનાની નિકાસ આગલા માર્ચ મહિનાની સરખામણીમાં ઘટી છે, જેમાં મુખ્યત્વે ચીન અને હૉંગકૉંગ ખાતેની નિકાસમાં ઘટાડો થયો હતો પરંતુ તેની સામે ભારત અને તુર્કી ખાતે નિકાસ વધતાં અમુક અંશે આ ઘટાડો સરભર થયો હોવાનું કસ્ટમ વિભાગે જણાવ્યું હતું.